અરવલ્લી જિલ્લાની સિટી સર્વે કચેરીમાં સતત ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી રહી છે, જોકે તંત્ર લાચાર હોય તેવું લાગે છે. ઘણાં સમયથી અહીં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે અરજદારો ભારતીય નાગરિક હોવા છતાં ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે, પણ અહીં કામ કરતા કેટલાક ભ્રષ્ટ બાબુઓ અરજદારનો માટે મુસીબતનું કારણ બની રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહીં પ્રપર્ટી કાર્ડ અથવા તો નોંધ પડાવવા માટે રિતસરના ભાવ બોલાઈ રહ્યા છે, જોકે તેના પર લગામ ક્યારે લાગશે તે સવાલ છે. અહીંની કામગીરી પર અરવલ્લી જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરોએ પણ નોંધ લેવી જોઈએ.
મેરા ગુજરાતના સતત અહેવાલને પગલે હવે અરજદારો જાતે જ અમારો સંપર્ક કરી રહ્યા છે. આવા જ એક ભેરૂંડા ગામના અરજદારે Mera Gujarat નો સંપર્ક કરતા અરજી પહોંચાડી છે, જેમાં જણાવ્યું છે કે, તેમણે સ્વામિત્વ યોજના હેઠળ 1 ઓગસ્ટ, 2025 ના રોજ પ્રોપર્ટી કાર્ડ માટે અરજી કરી હતી, જોકે આજદીન સુધી માત્ર ને માત્ર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. અરજદારને અરજી સાથે આકરણી પત્રક, ઘરવેરાની પાવતી ની નકલ, આડોશ-પાડશના મિલકત કાર્ડની નકલ સહિતના બિડાણો સાથે નિયત ટિકિટ લગાવી મોકલેલ છે, જોકે આજદીનસુધી અરજદારનું મંગળ કરનાર કોઈ અધિકારી નથી.
છેલ્લા ઘણાં સમયથી મોડાસા સિટી સર્વે તેમજ વિવિધ તાલુકાઓમાં આવેલી સિટી સર્વે કચેરીમાં આવી જ હાલત છે, જોકે તંત્ર ઠંડીમાં ઠુંઠવાઈ ગયું હોય, તેવું પણ લાગી રહ્યું છે. કેટલાક અરજદારો પાસેથી એ પણ જાણકારી મળી હતી કે, જો અરજી અરજન્ટ પાસ કરાવવી હોય તો હાઈ રેટ ચાલે છે. આવા રેટ ને કારણે સામાન્ય અરજદારોનો મરો થાય છે. અહીં કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.






