ગુજરાત સરકાર વિકાસના દાવા કરતી રહી છે, પરંતુ આરોગ્ય વિભાગના તાજા સરકારી આંકડાઓએ પ્રગતિશીલ ગુજરાતના દાવાઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એન.એફ.એચ.એસ. ના આંકડાનો હવાલો આપતા, જણાવ્યું છે કે, ઓક્ટોબર–નવેમ્બર મહિનામાં જ સરકારી રેકોર્ડ મુજબ ૧૬૩૩ સગીર વયની દીકરીઓ ગર્ભવતી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ આંકડા કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ તેનો સીધો અને કડવો અર્થ એ છે કે રાજ્યમાં આજે પણ મોટા પાયે બાળ લગ્ન થઈ રહ્યા છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ વીડિયો શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.
🔹 NFHS સર્વેમાં પણ ગુજરાત પાછળ
ભારત સરકારના NFHS (National Family Health Survey) સર્વેમાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ગુજરાતમાં બાળ લગ્નનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં વધુ છે. ખેડા સહિત અનેક જિલ્લાઓમાં બાળ લગ્નના કેસો ચિંતાજનક સ્તરે નોંધાયા છે. કુલ મળીને ગુજરાતના ઓછામાં ઓછા ૧૫ જિલ્લાઓમાં બાળ લગ્નની ધજ્જિયા ઉડી રહી છે, જે સરકારની અમલવારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
🔹 બાળ લગ્ન પ્રતિબંધ કાયદો માત્ર કાગળ પર?
બાળ લગ્ન પ્રતિબંધ કાયદો હોવા છતાં તેની અમલવારી તદ્દન નબળી સાબિત થઈ છે. સરકારી તંત્રની નિષ્ફળતા અને સ્થાનિક સ્તરે આંખ મીંચીને બેસી રહેવાની વૃત્તિના કારણે નાની ઉંમરની દીકરીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. કાયદો છે, પરંતુ કડક કાર્યવાહી ક્યાં છે – એવો સવાલ લોકો પૂછે છે.
🔹 કુપોષણનું દૂષણ વધુ ગંભીર
એક તરફ બાળ લગ્ન અને બીજી તરફ કુપોષણ – આ બંને સમસ્યાઓ એકબીજાથી જોડાયેલી છે. રાજ્યમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષણનો ભોગ બને છે, જ્યારે ૪૫ ટકા બાળકો કુપોષિત હોવાનું સરકારી આંકડાઓ જ દર્શાવે છે. નાની ઉંમરે લગ્ન અને સગર્ભાવસ્થાના કારણે ન તો માતા સ્વસ્થ રહે છે, ન તો બાળક.
🔹 કડક પગલાં અને સામાજિક જાગૃતિ જરૂરી
સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે – આ સૂત્રને સાર્થક કરવું હોય તો દીકરીઓ પુખ્ત વયે લગ્ન કરે અને ત્યાર બાદ જ સગર્ભા બને, તે જરૂરી છે. સરકાર માત્ર વાતો અને મતની રાજનીતિ સુધી સીમિત ન રહે, પરંતુ કડક પગલાં, અસરકારક અમલવારી અને વ્યાપક સામાજિક જાગૃતિ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
બાળ લગ્ન અને કુપોષણ મુક્ત ગુજરાત હવે માત્ર નારો નહીં, પરંતુ તાત્કાલિક અમલનો વિષય બનવો જોઈએ.






