હાલ બિહારનો વૈભવ સૂર્યવંશી દરેક મેચમાં અલગ અલગ રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે આજે (3 જાન્યુઆરી)ના રોજ દક્ષિણ આફ્રિકા અંડર-19 સામે વનડે શ્રેણીની પહેલી મેચમાં ભારતીય અંડર-19ના કેપ્ટન પદે રહી વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. આ સાથે માત્ર 14 વર્ષની ઉંમરે યુથ ODIમાં ટીમનું નેતૃત્વ કરનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
પાકિસ્તાનના અહેમદ શહેઝાદનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ 16 વર્ષની ઉંમર પહેલા કોઈપણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય અંડર-19 મેચમાં ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ સાથે તેણે પાકિસ્તાનના અહેમદ શહેઝાદનો 19 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે. જો કે કેપ્ટન તરીકેની પહેલી મેચમાં વૈભવ માત્ર 12 બોલમાં 11 રન જ બનાવી શક્યો હતો.
કેપ્ટન-વાઇસ-કેપ્ટનને ઈજા થતાં મળ્યો મોકો
મહત્વનું છે કે ભારતીય અંડર-19ના નિયમિત કેપ્ટન આયુષ મ્હાત્રે અને વાઇસ-કેપ્ટન વિહાન મલ્હોત્રાને ઈજા થઈ છે જેથી ત્રણ મેચની શ્રેણી માટે વૈભવ સૂર્યવંશીને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. જોકે, બંને ખેલાડીઓ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા અને ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર આગામી અંડર-19 વર્લ્ડ કપમાં પરત ફરે તેવી પ્રબળ સંભાવના છે.
આ અગાઉ 190 રન ફટકાર્યા હતા
આ પહેલા વિજય હઝારે ટ્રોફી 2025-26ની પ્લેટ ગ્રુપ મેચમાં બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી. તેણે માત્ર 84 બોલમાં 16 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગાની મદદથી 190 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 226.19 જેવો અકલ્પનીય રહ્યો હતો. જોકે અફસોસ એ વાતનો છે કે તે બેવડી સદીથી માત્ર 10 રનથી ચૂકી ગયો. પરંતુ તેની ઇનિંગ્સે એક મોટો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરી દીધો હતો.
એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો
આ તોફાની ઇનિંગ્સ દરમિયાન, વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં (વનડે મેચો) સૌથી ઝડપી 150 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે માત્ર 54 બોલમાં 150 રનનો આંકડો પાર કરી લીધો હતો. આ મામલે તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ‘મિસ્ટર 360’ એબી ડી વિલિયર્સને પણ પાછળ છોડી દીધો, જેણે 64 બોલમાં 150 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવની આ સિદ્ધિ ખરેખર ઐતિહાસિક હતી.
નાની ઉંમરમાં સતત શાનદાર પ્રદર્શન
14 વર્ષના આ ડાબોડી બેટ્સમેન માટે આ કોઈ પહેલી સિદ્ધિ નથી. વૈભવ સૂર્યવંશી આ પહેલા IPL, યૂથ વનડે, યૂથ ટેસ્ટ, ઈન્ડિયા A, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને અંડર-19 એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પણ સદી ફટકારી ચૂક્યો છે. તેનું સતત શાનદાર પ્રદર્શન તેની અદભૂત પ્રતિભા અને મહેનત દર્શાવે છે. ક્રિકેટ પંડિતો માની રહ્યા છે કે જો તેઓ આ જ રીતે પ્રદર્શન કરતા રહેશે તો ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવવાથી વધુ દૂર નથી. 26 ડિસેમ્બરના રોજ 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દેશના સૌથી મોટા બાળ પુરસ્કાર, ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યો હતો.






