અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ પાસે આવેલા રાજપુર ગામમાં મહા બીજના પાવન દિવસે રામદેવજી મહારાજના ભવ્ય નેજા ઉત્સવનું ભક્તિભાવથી આયોજન કરવામાં આવ્યું હતું. મીની રાજઘાટની બાજુમાં આવેલા રાજપુર ગામમાં વહેલી સવારથી જ રામદેવજીના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
ભક્તોએ નેજા લઈ ડીજેના તાલે ઝૂમીને રામદેવજી મહારાજના જયકારાઓ લગાવ્યા હતા. મંદિરના સંચાલકો પનાભાઈ પટેલ, ભરતભાઈ પંચાલ તથા તેમની ટીમ દ્વારા સવારના ત્રણ વાગ્યાથી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. હજારોની સંખ્યામાં આવેલા ભક્તોએ શાંતિ અને શિસ્ત સાથે લાઈનમાં ઊભા રહી રામદેવજીના દર્શન અને આશીર્વાદ લીધા હતા.
ઉત્સવ દરમિયાન આરતી, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં દરેક ભક્ત માટે મહાપ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોની હાજરી છતાં સમગ્ર આયોજન સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, અન્ય મંદિરો સાથે જોડાયેલા સંતો, ઇસ્કોન મંદિરના મનુભસ્ટમદાસ પ્રભુ, સામાજિક કાર્યકર તથા જીવદયા પ્રેમી નિલેશ જોષી, જાયન્સ મોડાસાના વિનોદ ભાવસાર તેમજ ચામુંડા મંદિરના પ્રમુખ ભાવસાર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. સંતોનું
દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને આશીર્વાદ લેવામાં આવ્યા હતા.
મહા બીજના નેજા ઉત્સવે રાજપુર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું અનોખું દૃશ્ય સર્જ્યું હતું.






