ભારતના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) એ ફરી એકવાર નવી સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, જૂન મહિનામાં UPI દ્વારા 22.72 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જે ગયા વર્ષની સરખામણીએ 23 ટકા વધુ છે. આ દરમિયાન ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય પણ 20 ટકા વધીને રૂ. 28.90 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
દૈનિક સરેરાશ 75.7 કરોડ ટ્રાન્ઝેક્શન
જૂન દરમિયાન UPI પર દરરોજ સરેરાશ 75.7 કરોડ (757 મિલિયન) ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય આશરે રૂ. 96,405 કરોડ રહ્યું હતું. આ આંકડા દર્શાવે છે કે દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
10 વર્ષમાં અદભૂત વિકાસ
માત્ર એક દાયકામાં UPIએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન UPI પર માત્ર 2 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં આ આંકડો વધીને 24,162 કરોડ ટ્રાન્ઝેક્શનને પાર પહોંચી ગયો છે. આ વૃદ્ધિ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાની મજબૂત પ્રગતિ દર્શાવે છે.
વિશ્વમાં પણ વધી રહ્યો છે UPIનો પ્રભાવ
ભારતની UPI સિસ્ટમ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહી છે. હાલમાં યુએઈ, સિંગાપોર, ફ્રાન્સ, મોરેશિયસ, શ્રીલંકા અને ગ્રીસ સહિત આઠથી વધુ દેશોમાં UPI આધારિત સેવાઓ ઉપલબ્ધ છે.
તાજેતરમાં અમેરિકાની સંસદમાં પણ ભારતની UPI સિસ્ટમની પ્રશંસા કરવામાં આવી હતી. અમેરિકાએ પોતાના ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે UPI મોડેલને એક પ્રેરણારૂપ વ્યવસ્થા તરીકે ગણાવ્યો છે, જેનાથી ખાનગી ક્ષેત્રમાં નવીનતાને પણ પ્રોત્સાહન મળી શકે છે.







