અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં શનિવારે રાત્રિના સમયે પવન સાથે ધોધમાર વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ દુર્ઘટનાઓમાં બે ખેડૂતોના પશુઓના મોત થતાં પરિવારો પર આર્થિક સંકટ તોળાઈ આવ્યું છે
મેઘરજ તાલુકાના રોયણીયા ગામે ખેડૂત ડામોર પુંજાભાઈ ધનાભાઈના બે બળદ રાત્રિના સમયે બાંધેલા હતા. આ દરમિયાન આકાશી વીજળી પડતાં બંને બળદના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવમાં ખેડૂતને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસાની ખેતીની સિઝનમાં જ આ દુર્ઘટનાથી ખેડૂત પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.બીજી ઘટના પાલ્લા ગામે બની હતી, જ્યાં ખેડૂત રાઠોડ મનુભાઈ કનકાભાઈની એક ગાય પર આકાશી વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પશુપાલન પર નિર્ભર આ પરિવારને પણ નુકસાન થયું હોવાનું જણાવાયું છે. ગાયના મોતથી પરિવારના જીવનનિર્વાહ પર પણ સીધી અસર પડી છે.આ બંને બનાવોને પગલે સ્થાનિક લોકો અને પરિવારજનોએ સરકારને નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય સહાય યોજના હેઠળ વળતર ચૂકવવાની માંગ કરી છે.







