મોડાસા, પ્રતિનિધિ: સમગ્ર રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે હવે અરવલ્લી જિલ્લામાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ બની છે. ગુરુવારે મોડાસા શહેરના કોલેજ છાપરા વિસ્તારમાં તંત્ર દ્વારા વિશાળ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે 24 જેટલા કાચા અને પાકા રહેણાંક મકાનો, જે સરકારી જમીન પર દબાણ કરીને બાંધવામાં આવ્યા હોવાનું તંત્રનું કહેવું છે, તેને બુલડોઝરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા બે JCB મશીનોની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 10 જેટલા પોલીસ વાહનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા હતા. કેટલાક રહિશોએ વિરોધ નોંધાવી દાવો કર્યો હતો કે તેમને મકાનો ખાલી કરવા અંગે અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી નહોતી, જેના કારણે અચાનક થયેલી કાર્યવાહીથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક રહીશ નીરૂબેન ભાવૂક પળે જણાવે છે કે, પહેલા 6 ફૂટના રોડની વાત હતી, જે હવે તેમના ઘર સુધી પહોંચી ગયા છે, હવે અમે ક્યાં જઈએ. તેઓ જણાવે છે કે, પહેલા એવું કહેવામાં આવતું હતું કે, સરકારી જમીનમાં રહે તેનું ઘર, તો પછી અમોને કેમ નિરાધાર કરવામાં આવે છે. આ શબ્દો પ્રધાનમંત્રી સુધી પહોંચવા જોઈએ, તેવી ભાવના સાથે પોતાની આપવીતિ મહિલાએ જણાવી હતી.
View this post on Instagram
પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “નોટિસ પીરિયડ પૂર્ણ થઈ ગયો છે. આ મુદ્દો બે વર્ષ જૂનો છે. આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી સંબંધિત વ્યક્તિની હતી. હવે તંત્રની કોઈ જવાબદારી રહેતી નથી. માર્ગ અને મકાન વિભાગ, અરવલ્લી જિલ્લા પંચાયત અને મોડાસા નગરપાલિકાના સંકલનથી નિયમોનુસાર આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.” સમગ્ર કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
હાલ, તો સમગ્ર ઘટનાને લઈને કેટલાક લોકોના ઘર તૂટી જતાં માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ છે. પરંતુ હવે તંત્ર દ્વારા આ લોકો માટે શું વ્યવસ્થા થાય છે, તે જોવું રહ્યું.






