બાકીના કામોને ત્વરિત ગતિએ પૂર્ણ કરીને સપ્ટેમ્બર-2026માં હોસ્પિટલને પૂર્ણપણે શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને કડક તાકીદ
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલના નિર્માણ સ્થળની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમણે સાઇટ પર હાજર એન્જિનિયરો, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને હોસ્પિટલના વિવિધ વિભાગો જેમ કે ઇમર્જન્સી વોર્ડ, ઓપરેશન થિયેટર, આઉટડોર પેશન્ટ વિભાગ, વોર્ડ્સ, લેબોરેટરી, રેડિયોલોજી વિભાગ તથા અન્ય મહત્વના વિસ્તારોની પ્રગતિની સમીક્ષા કરી.
વર્તમાનમાં સ્થાનિક સુવિધાઓ અપૂરતી હોવાને કારણે દર્દીઓને અન્ય તાલુકા અથવા જિલ્લામાં જવું પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને મુશ્કેલીઓ વધે છે. હોસ્પિટલ પૂર્ણ થયા બાદ અહીં આધુનિક તબીબી સેવાઓ, વિશેષજ્ઞ ડોક્ટરો, અત્યાધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ અને સંપૂર્ણ સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલ મોડાસા તાલુકા સહિત આસપાસના વિસ્તારોના લાખો નાગરિકો માટે આરોગ્યની દષ્ટિએ એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.
કલેક્ટર એ બાકી રહેલા કામો જેમ કે ફિનિશિંગ વર્ક, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, ફર્નિચર અને મેડિકલ ઇક્વિપમેન્ટની સ્થાપના તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપી છે. તેમણે સંબંધિત વિભાગોને સ્પષ્ટ ટાઇમલાઇન આપી છે અને હોસ્પિટલને સપ્ટેમ્બર 2026 માં પૂર્ણપણે શરૂ કરવા માટે કડક તાકીદ કરી છે.
અરવલ્લી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આ હોસ્પિટલને નિર્ધારિત સમયમર્યાદામાં શરૂ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી મોડાસા અને આસપાસના વિસ્તારોના નાગરિકોને ઉત્તમ અને સમયસર આરોગ્ય સેવાઓ મળી શકે.






