30.6 C
Gujarat
Friday, July 17, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સરકારી બી.એડ. કોલેજ, મેઘરજની મુલાકાત લીધી

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સરકારી બી.એડ. કોલેજ, મેઘરજની મુલાકાત લીધી

0
71

આગામી એક મહિનામાં કોલેજનું કામ પૂર્ણ કરી કોલેજ શરૂ કરવા માટે તૈયાર કરવા આપ્યું માર્ગદર્શન

અરવલ્લી જિલ્લાના કલેક્ટર મિલિન્દ બાપનાએ મેઘરજ ખાતે નિર્માણાધીન સરકારી બી.એડ. કોલેજના નવા ભવનની મુલાકાત લઈ ચાલી રહેલા કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે નિર્માણ કાર્યની ગુણવત્તા, વિવિધ સુવિધાઓ તેમજ બાકી રહેલા કામોની સ્થળ પર જઈને તપાસ કરી હતી.સંબંધિત અધિકારીઓને કોલેજના નિર્માણ કાર્યને આગામી એક મહિનામાં પૂર્ણ કરીને કોલેજ શરૂ કરવા માટે તૈયાર કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના વિદ્યાર્થીઓને સમયસર આધુનિક અને ગુણવત્તાસભર શૈક્ષણિક માળખું ઉપલબ્ધ થાય તે માટે તમામ કામગીરી સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે.

જીલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ કોલેજમાં ઉપલબ્ધ થનારી વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, સેમિનાર હોલ, રમતગમત તથા અન્ય શૈક્ષણિક સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને અનુકૂળ, સ્વચ્છ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી તમામ સુવિધાઓ સમયસર કાર્યરત કરવા ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના યુવાનોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક ઉચ્ચ શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી વર્ષ 2003માં મેઘરજ ખાતે સરકારી બી.એડ. કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં સેલ્ફ ફાઇનાન્સ ધોરણે શરૂ થયેલી આ સંસ્થા વર્ષ 2005-06થી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તક સંચાલિત છે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સાથે સંલગ્ન છે.

હાલમાં કોલેજ આધુનિક સુવિધાઓથી સજ્જ પોતાના નવા ભવ્ય ભવનમાં સ્થાનાંતરિત થવાની પ્રક્રિયામાં છે, જે જિલ્લાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ સંસ્થા માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ 21મી સદીની શૈક્ષણિક જરૂરિયાતોને અનુરૂપ આધુનિક ટેકનોલોજી આધારિત શિક્ષણ, મૂલ્યનિષ્ઠ શિક્ષક ઘડતર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. સાથેજ કોલેજમાં જ્ઞાન, નાટ્ય, ખેલકૂદ, સમુદાય સેવા, સર્જનાત્મકતા, સંગીત અને કલા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રશિક્ષણાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નવા ભવનમાં કોલેજ શરૂ થતાં મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણનો વધુ લાભ મળશે અને જિલ્લામાં કુશળ, સંવેદનશીલ તથા મૂલ્યનિષ્ઠ શિક્ષકોના ઘડતરમાં આ સંસ્થા વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!