અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ રોડ પર તિરૂપતિ બંગ્લોઝમાં 22 મે, 2024 સાંજના સુમારે કથિત નકલી સિંચાઈની કચેરી પકડાઈ હતી. માલપુર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો, જોકે ત્યારબાદ જનપ્રતિનિધિઓ આ મામલે આગળ આવ્યા હોય, તેવું લાગ્યું નહીં. સમગ્ર ઘટનાને લઇને કમિટી બનાવાઈ અને તપાસ પણ કરાઈ. જોકે હજુ સુધી તપાસનો રીપોર્ટ જાહેર થયો નથી. બે વર્ષ પછી આ મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની ટીમએ સૌથી મોટો ઘટસ્ફોટ કરીને, કેટલાક પુરાવા રજૂ કર્યા છે, જેમાં કથિત રીતે 40 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરતાં, અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખે, મોડાસા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કેટલીકના નામ જાહેર કર્યા હતા, આ મંડળીમાં ભાજપ ના તત્કાલિન મહામંત્રી અને વર્તમાન પ્રમુખ ભિખાજી દુધાજી ડામોર (ઠાકોર) અને નિવૃત્ત સિંચાઈ અધિકારી પી.એમ.ડામોર ના પરિજજનો આ મંડળીના વિવિધ હોદ્દાઓ પર હતા. યુથ કોંગ્રસ પ્રમુખનો આરોપ છે કે, અલગ – અલગ 10 થી 15 મંડળીઓ વર્ષ 2019 થી 2023 દરમિયાન 40 થી 42 કરોડ રૂપિયાનો ભ્રષ્ચાચાર આચરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, “વેવાઈ, પુત્ર, પુત્રવધુ અને પત્નિ સહિત પરિવારજનોના નામે મંડળી રચવામાં આવી અને આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે.”
આ સમગ્ર મામલે હજુ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભીખાજી ઠાકોર (ડામોર) ની કોઈ જ પ્રતિક્રિયા સામે નહીં આવતા હવે સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો ભાજપના મૌન ધારણથી રહસ્ય વધુ ઘેરાતું હોય તેવું લાગે છે.






