અરવલ્લી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગતના સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW), અરવલ્લી તથા મેઢાસણ ગ્રામ પંચાયતના સહયોગથી શનિવારે મોડાસા તાલુકાના મેઢાસણ ગામે નવીન બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવી અને તેમને ગ્રામ વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવાનો છે
મેઢાસણ બાલિકા પંચાયત કાર્યક્રમમાં સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબના ડૉ. ભરત પરમાર, મેઢાસણ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર એમ. રાઠોડ, તલાટી કમ મંત્રી નાગેન્દ્રસિંહ એન. બિહોલા, પંચાયત સ્ટાફ ક્લાર્ક દિનેશભાઈ એમ. પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી યોગીતાબેન, મહિલા સુપરવાઇઝર તૃપ્તિબેન, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ મેઢાસણ આંગણવાડી કેન્દ્ર નં. 2 અને 3 તથા મડાસણા અને દેવીપુરા આંગણવાડી કેન્દ્રોની બાલિકાઓ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે બાલિકા સરપંચ, ઉપસરપંચ તથા અન્ય સભ્યોની લોકશાહી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી હતી. નવી રચાયેલી બાલિકા પંચાયતના સભ્યોએ ગામની સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, શિક્ષણ, બાળ અધિકારો, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ડૉ. ભરત પરમાર અને સરપંચ મુકેશકુમાર એમ. રાઠોડે બાલિકા પંચાયતના હેતુ, જવાબદારીઓ અને કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને ગ્રામ વિકાસમાં નેતૃત્વની ભૂમિકા નિભાવવા, સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ લાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળલગ્ન નિવારણ, વ્યસનમુક્તિ અને અન્ય સામાજિક કુરિવાજો સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કર્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ મહિલાઓ અને કિશોરીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હિમોગ્લોબિન (HB), રેન્ડમ બ્લડ શુગર (RBS), બ્લડ પ્રેશર (BP) સહિત સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓએ કેમ્પનો લાભ લીધો હતો.
સરપંચ મુકેશકુમાર એમ. રાઠોડે જણાવ્યું હતું કે મેઢાસણ ગ્રામ પંચાયત બાલિકા પંચાયતને જરૂરી તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડશે તથા દીકરીઓને ગામના વિકાસના દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગીદાર બનાવવામાં આવશે.
કાર્યક્રમનું સફળ આયોજન મેઢાસણ ગ્રામ પંચાયત, સંકલ્પ – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW), બાળ વિકાસ યોજના અધિકારી, મહિલા સુપરવાઇઝરોતથા આંગણવાડી કાર્યકર બહેનોના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું.






