28.8 C
Gujarat
Sunday, August 23, 2026
Home HeadLines કોઈપણ અધિકારી ને હેડક્વાર્ટર ન છોડવા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ની સૂચના...

કોઈપણ અધિકારી ને હેડક્વાર્ટર ન છોડવા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ની સૂચના : ‘હેડક્વાર્ટર લીવ’ ના નિયમો નેવે મુકાયા?

0
103
  • અરવલ્લી સર્ક્યુલર છતાં અધિકારીઓની હાજરી સામે સવાલો, ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ હેડ ક્વાર્ટર માં રહેતા નથી એટલે હેડ ક્વાર્ટર લીવ નો સવાલ જ નથી ઉઠતો!!
  • અરવલ્લી જિલ્લા કક્ષાના અધિકારીઓએ હેડક્વાર્ટર છોડતા પહેલાં પૂર્વમંજૂરી લેવાની સૂચના, મેઘરજના વન મહોત્સવમાં અધિકારીઓની ગેરહાજરીથી સવાલો

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 21-08-2026ના રોજ જિલ્લા કક્ષાના તમામ વિભાગીય, નિગમ અને બોર્ડના વડાઓ માટે હેડક્વાર્ટર છોડવા અંગે મહત્વપૂર્ણ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. સર્ક્યુલરમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જિલ્લા કક્ષાના અધિકારીઓએ સરકારી કામકાજ, બેઠક કે અન્ય કોઈ કારણોસર ગાંધીનગર અથવા જિલ્લા બહાર જવાનું હોય તો જિલ્લા કલેક્ટરની લેખિત અથવા ઈ-મેઈલ મારફતે પૂર્વમંજૂરી લેવાની રહેશે.

સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ, જિલ્લા કક્ષાના અધિકારીઓ જિલ્લા કલેક્ટરને સીધા જવાબદાર રહે છે અને વહીવટી સરળતા, નાગરિકોના પ્રશ્નોના નિકાલ, સરકારી યોજનાઓની સમીક્ષા તેમજ તાકીદની સરકારી કામગીરી માટે કલેક્ટરને અવારનવાર અધિકારીઓની તાત્કાલિક જરૂરિયાત રહેતી હોય છે.

જોકે, વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આ સર્ક્યુલરના અમલ અંગે હવે સવાલો ઊઠી રહ્યા છે. મેઘરજ ખાતે તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. એક તરફ જિલ્લા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર છોડવા માટે પૂર્વમંજૂરી ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ જિલ્લા કક્ષાના મહત્વના કાર્યક્રમમાં અધિકારીઓની ગેરહાજરી કેમ જોવા મળી તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સર્ક્યુલરનો ખરેખર અમલ થાય છે?
સૌથી મોટો સવાલ એ છે કે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 21 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે કે નહીં? શું જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ ખરેખર પોતાના હેડક્વાર્ટર પર હાજર રહે છે કે પછી અપડાઉન કરે છે?

જો કોઈ અધિકારી પૂર્વમંજૂરી વિના હેડક્વાર્ટર છોડે તો તેને શિસ્તભંગની બાબત ગણવામાં આવશે અને સરકારી કામગીરીમાં વિલંબ થાય તો નિયમાનુસાર વહીવટી કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી સર્ક્યુલરમાં આપવામાં આવી છે.

આકસ્મિક ઘટના બને તો અધિકારીઓ તાત્કાલિક પહોંચી શકશે?
અરવલ્લી જેવા ભૌગોલિક રીતે વિસ્તૃત જિલ્લામાં કોઈ ગંભીર અથવા આકસ્મિક ઘટના બને, કુદરતી આપત્તિ સર્જાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થાય અથવા સરકાર તરફથી તાત્કાલિક નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓની તાત્કાલિક હાજરી મહત્વપૂર્ણ બની જાય છે.ત્યારે સવાલ એ પણ છે કે જો જિલ્લા કક્ષાના અધિકારીઓ હેડક્વાર્ટર પર હાજર ન હોય અને અપડાઉન કરતા હોય, તો કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં તેઓ બે-પાંચ મિનિટમાં તાત્કાલિક પહોંચી શકે ખરા?

હવે જિલ્લા વહીવટી તંત્રના તા. 21-08-2026ના સર્ક્યુલરનો કેટલો અમલ થાય છે અને જિલ્લા કક્ષાના વર્ગ-1થી વર્ગ-4 સુધીના અધિકારીઓ પોતાના નિયત હેડક્વાર્ટર પર રહે છે કે નહીં તેની તપાસ થાય તો સમગ્ર હકીકત સામે આવી શકે છે.

સર્ક્યુલરમાં સ્પષ્ટપણે “પૂર્વમંજૂરી વિના હેડક્વાર્ટર છોડવું એ શિસ્તભંગની બાબત ગણાશે” તેમ જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે સર્ક્યુલર માત્ર કાગળ પરનો આદેશ બની રહે છે કે તેનો વાસ્તવિક અમલ થાય છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!