30.4 C
Gujarat
Saturday, August 22, 2026
Home HeadLines અરવલ્લી : મેઘરજની સરકારી B.Ed. કોલેજમાં બખડજંતર! તાલિમાર્થીઓના પાઠ લેતા પ્રાધ્યાપકો મંત્રીને...

અરવલ્લી : મેઘરજની સરકારી B.Ed. કોલેજમાં બખડજંતર! તાલિમાર્થીઓના પાઠ લેતા પ્રાધ્યાપકો મંત્રીને જવાબ આપતા પગ ધ્રુજ્યા!!

0
132

તાલીમાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાંના આક્ષેપો વચ્ચે મંત્રીને લેવી પડી પ્રાધ્યાપકોની પાઠશાળા
કેટલાક પ્રાધ્યાપકો સમયસર કૉલેજ નહીં આવતાં હોવાની બૂમો
ગાંધીનગર સુધી પડઘાં પડતાં મંત્રી પી.સી.બરંડાએ મુલાકાત લેવી પડી
સરકારી બી.એડ.કૉલેજમાં લાલિયાવાડી થી તાલિમાર્થીઓના ભાવિ સાથે ચેડાં!!

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ મેઘરજની સરકારી B.Ed. કોલેજ ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં પ્રાધ્યાપકોની મનમાની, સમયપાલન અને આંતરિક ખેંચતાણના આક્ષેપો વચ્ચે હવે પરિસ્થિતિ એવી બની હોવાનું સામે આવ્યું છે. આ બધી માથાકુટ વચ્ચે તાલીમાર્થીઓને ભણાવનારા પ્રાધ્યાપકોને જ મંત્રી સમક્ષ જવાબ આપવાનો વારો આવ્યો હતો.

મેઘરજ જેવી અંતરિયાળ જગ્યાએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિક્ષક તાલીમ સંસ્થા પાછળનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષકો તૈયાર કરવાનો છે. પરંતુ જો સંસ્થામાં જ શૈક્ષણિક વાતાવરણને બદલે આંતરિક વિવાદો, મનમાની અને વહીવટી અવ્યવસ્થા હાવી થતી હોય તો તેની સીધી અસર B.Ed.ના તાલીમાર્થીઓના અભ્યાસ પર પડે તે સ્વાભાવિક છે.

તાલીમાર્થીઓના પાઠ લેનારા પ્રાધ્યાપકોને જ પાઠ ભણાવવો પડ્યો?
સરકારી બી.એડ.કૉલેજ મેઘરજ ખાતે વન મહોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમના અંતે મંત્રીન઼ કોલેજની કામગીરી અંગે ગંભીરતાથી ધ્યાન દોરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓના વર્ગો, શૈક્ષણિક કામગીરી અને પ્રાધ્યાપકોની જવાબદારી અંગે સવાલો ઊભા થતાં પ્રાધ્યાપકો પાસેથી જ ખુલાસા માંગવામાં આવ્યા હતા.

પરિસ્થિતિ એવી સર્જાઈ કે અત્યાર સુધી તાલીમાર્થીઓને શિક્ષણના સિદ્ધાંતો અને શિસ્તના પાઠ ભણાવતા પ્રાધ્યાપકોને જ પોતાની કામગીરી અંગે જવાબ આપવાનો વારો આવ્યો.

સવાલ એ છે કે જો શિક્ષક તાલીમ આપતી સરકારી કોલેજમાં જ શૈક્ષણિક શિસ્ત અંગે પ્રશ્નો ઊભા થાય તો આવતીકાલના શિક્ષકો કેવી રીતે તૈયાર થશે?
મનમાનીનો ભોગ તાલીમાર્થીઓ તો નથી બની રહ્યા ને?

મેઘરજની સરકારી B.Ed. કોલેજમાં કેટલાક અધ્યાપકોની સમયપાલન અને અનિયમિત હાજરી અંગે અગાઉ પણ લેખિત રજૂઆત થયાના અહેવાલો સામે આવ્યા છે. જો આ પ્રકારની ફરિયાદો વારંવાર થઈ રહી હોય તો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની જાય છે. કારણ કે અહીં પ્રશ્ન માત્ર કોઈ એક પ્રાધ્યાપક કે અધિકારીનો નથી.પ્રશ્ન છે સરકારી નાણાંથી ચાલતી શિક્ષણ સંસ્થાની વિશ્વસનીયતાનો અને ત્યાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓના ભવિષ્યનો.

અંદરોઅંદરની બબાલથી મંત્રી પણ નારાજ?
કોલેજની અંદરની ખેંચતાણ અને પરસ્પર આક્ષેપ-પ્રતિઆક્ષેપની સ્થિતિ અંગે મંત્રી નારાજ થયા હોવાની ચર્ચા છે. જો સરકારી કોલેજના પ્રાધ્યાપકો અને જવાબદાર અધિકારીઓ પોતપોતાની કામગીરી કરતાં આંતરિક વિવાદોમાં વધુ સમય પસાર કરતા હોય તો તેની અસર શૈક્ષણિક વાતાવરણ પર થવી નિશ્ચિત છે.

  • કોલેજમાં ખરેખર શું ચાલી રહ્યું છે?
  • કયા પ્રાધ્યાપક નિયમિત વર્ગ લે છે?
  • કેટલા પ્રાધ્યાપકોની હાજરી નિયમિત છે?
  • તાલીમાર્થીઓના વર્ગો નિયમિત ચાલે છે કે નહીં?
  • અધ્યાપકોની કામગીરીનું મોનિટરિંગ કોણ કરે છે?
    અને અગાઉ થયેલી ફરિયાદો પર ઉચ્ચ શિક્ષણ વિભાગે શું કાર્યવાહી કરી?
  • શું પ્રાધ્યાપકો સમયસર આવે છે કે નહીં?

ઉચ્ચ શિક્ષણ વિભાગ હજુ પણ ઊંઘમાં?
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સરકારી B.Ed. કોલેજની મુલાકાત લેવામાં આવી હોવાનો સરકારી માહિતી વિભાગના અહેવાલમાં ઉલ્લેખ છે. આમ છતાં જો કોલેજમાં ફરીથી પ્રાધ્યાપકોની મનમાની, હાજરી, સમયપાલન અને આંતરિક વિવાદના આક્ષેપો સામે આવતા હોય તો ઉચ્ચ શિક્ષણ વિભાગની દેખરેખ સામે પણ સવાલ ઊભા થાય છે.

શું ઉચ્ચ શિક્ષણ વિભાગે કોલેજની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ નહીં?
માત્ર મુલાકાતો અને મૌખિક સૂચનાઓથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. કોલેજના છેલ્લા એક વર્ષના હાજરી રજિસ્ટર, લેકચર શેડ્યૂલ, તાલીમાર્થીઓની હાજરી, પ્રાધ્યાપકોની ફરજની વિગતો અને અગાઉ થયેલી ફરિયાદો અંગે તપાસ થાય તો હકીકત બહાર આવી શકે છે.

શિક્ષક બનાવતી સંસ્થામાં જ શિક્ષણનો ધબડકો?
B.Ed. કોલેજનું કામ માત્ર ડિગ્રી આપવાનું નથી. અહીંથી ભવિષ્યના શિક્ષકો તૈયાર થાય છે. આ તાલીમાર્થીઓ આવતીકાલે શાળાઓમાં જઈને બાળકોને શિક્ષણ આપવાના છે. એટલે શિક્ષક તાલીમ સંસ્થામાં જ જો શિસ્ત, સમયપાલન અને જવાબદારી અંગે સવાલો ઊભા થાય તો તે ગંભીર બાબત છે. સરકારનો પગાર લેતા દરેક પ્રાધ્યાપકની પ્રથમ જવાબદારી તાલીમાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની છે.

મેઘરજની સરકારી B.Ed. કોલેજ અંગે સામે આવેલા આક્ષેપોની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ થાય, જવાબદાર વ્યક્તિ સામે નિયમ મુજબ કાર્યવાહી થાય અને તાલીમાર્થીઓનું શૈક્ષણિક નુકસાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

સરકારી કોલેજમાં બખડજંતર ચાલશે કે શિક્ષણ?
પ્રાધ્યાપકોની મનમાની ચાલશે કે તાલીમાર્થીઓનું ભવિષ્ય?

અને સૌથી મોટો સવાલ… ઉચ્ચ શિક્ષણ વિભાગ હવે જાગશે કે પછી વધુ કોઈ ફરિયાદની રાહ જોશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!