અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીતપુર (કુડોલ) ગામ નજીક એક વિચિત્ર અકસ્માતાની ઘટનામાં ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલ શ્રમિકનું મોત નીપજતા ભારે ચકચાર મચી હતી જીતપુર ગામની સીમમાંથી પસાર થતા ટ્રેકટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડ ખાડામાં ઉતરી જઈ ઝાડ સાથે ભટકાતા ટ્રોલીમાં બેઠેલ શ્રમિક ઉછળી ઝાડ અને ટ્રોલી વચ્ચે ફસાઈ જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટ્રેક્ટરમાં બેઠેલ અન્ય પાંચ શ્રમિકોને ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા ટીંટોઈ પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
રાજલી કંપાનો અરવિંદ વશરામભાઈ પટેલ ટ્રેક્ટરમાં જીતપુર ગામના શ્રમિકોને કામકાજ અર્થે લઈને નીકળતા ગામ નજીક ગફલતભરી પુરપાટ ઝડપે હંકારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડ પલ્ટી જતા ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા ટ્રેક્ટર ટ્રોલીમાં બેઠેલ લક્ષ્મણજી રતાજી પરમાર ઉછળતા તેમનું ગળું ઝાડ અને ટ્રોલી વચ્ચે ફસાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ટ્રેક્ટર ચાલક સહિત ટ્રેક્ટરમાં સવાર અન્ય પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા વિચિત્ર અકસ્માત જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા અકસ્માતના પગલે દોડી આવેલ ટીંટોઈ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી
ટીંટોઈ પોલીસે જીતપુર (કુડોલ)ગામના પુનાજી કેશાજી પરમારની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક અરવિંદ વશરામ પટેલ (રહે,રાજલીકંપા) વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી






