30.9 C
Gujarat
Monday, August 24, 2026
Home HeadLines અરવલ્લીઃ બાયડમાં મામલતદાર કચેરી ખસેડવા મામલે જનતામાં સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ સામે રોષ

અરવલ્લીઃ બાયડમાં મામલતદાર કચેરી ખસેડવા મામલે જનતામાં સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ સામે રોષ

0
14

અરવલ્લી જિલ્લાના તાલુકા મથક બાયડ નગરમાંથી મામલતદાર કચેરી ખસેડીને શહેરથી આશરે પાંચ કિલોમીટર દૂર વાત્રક ખાતે નવી મામલતદાર કચેરી બનાવવાના નિર્ણય સામે સ્થાનિકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. બાયડ નગરમાં આ મુદ્દે તાજેતરમાં સ્વયંભૂ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો, જેને સ્થાનિક વેપારીઓ અને શહેરીજનોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

બાયડ બંધના બીજા જ દિવસે આજે વહીવટી તંત્ર દ્વારા વાત્રક ખાતે નવી મામલતદાર કચેરીના બાંધકામ માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાઉન્ડેશન માટે ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં જ વાંટડા ગામના ગ્રામજનો તેમજ બાયડના કેટલાક શહેરીજનો સ્થળ પર પહોંચ્યા હતા અને મામલતદાર કચેરી ખસેડવાના નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિરોધ વચ્ચે પણ બાંધકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
બીજી તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને મામલતદાર કચેરી બાયડ નગરમાં જ રાખવા તેમજ નવી કચેરી બાયડમાં જ બનાવવાની માંગણી કરી છે. જેના કારણે મામલતદાર કચેરીના સ્થળાંતરનો મુદ્દો હવે વધુ ગરમાયો છે.

ભાજપના સ્થાનિક નેતાઓ સામે પણ રોષ
સ્થાનિકોમાં આક્રોશ છે કે બાયડ નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો ભાજપના કબજામાં છે. બાયડ તાલુકા પંચાયતમાં પણ ભાજપની સત્તા છે, જ્યારે તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોને જનતાએ જીત અપાવી છે.આવી સ્થિતિમાં ચૂંટણી દરમિયાન ભાજપને ખોબલે-ખોબલે મત આપનાર જનતાની લાગણી વિરુદ્ધ બાયડથી પાંચ કિલોમીટર દૂર વાત્રક ખાતે મામલતદાર કચેરી બનાવવામાં આવી રહી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ભાજપના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો તેમજ પાલિકા-પંચાયતના પદાધિકારીઓ સરકાર સમક્ષ જનતાની માંગણી રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાની લાગણી પણ લોકોમાં જોવા મળી રહી છે.

સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ જનતાની માંગણી સરકાર સુધી પહોંચાડી તેનો ઉકેલ લાવી શકતા ન હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામાં આપી દેવા જોઈએ. આ મુદ્દે બાયડ શહેર અને તાલુકામાં ભાજપના સ્થાનિક નેતાઓ સામે લોકોનો રોષ વધી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી
આજે સવારથી જ વાત્રક ખાતે મામલતદાર કચેરીના નિર્ધારિત બાંધકામ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી વચ્ચે બાંધકામ માટે નિયુક્ત એજન્સી દ્વારા ફાઉન્ડેશન માટે ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરીની જાણ થતાં વાંટડા ગામના ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

મામલતદાર કચેરી બાયડમાં જ રાખવાની માંગ અને વાત્રક ખાતે બાંધકામ શરૂ કરવાના નિર્ણય વચ્ચે હવે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. સ્થાનિકોમાંથી મોટા જનઆંદોલનના ભણકારા વાગી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!