31.8 C
Gujarat
Saturday, September 12, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસાના પૂર્વ નગર સેવકોએ ચીફ ઓફિસર મનોજ સોલંકીનું સ્વાગત કરી...

અરવલ્લી : મોડાસાના પૂર્વ નગર સેવકોએ ચીફ ઓફિસર મનોજ સોલંકીનું સ્વાગત કરી વિકાસની ચર્ચા કરી

0

2005ની ભાજપની 21 સભ્યોની જંગી બહુમતીવાળી ટીમ ફરી એકસાથે મળી : જૂની યાદો તાજી કરી શહેરના વિકાસ માટે સૂચનો આપ્યા

 

મોડાસા: મોડાસા નગરપાલિકામાં વર્ષ 2005માં ભાજપની 21 સભ્યોની જંગી બહુમતી સાથે ચૂંટાયેલી ટીમનું ટીમવર્ક આજે પણ નગરજનો યાદ કરી રહ્યા છે. તે સમયના ચીફ ઓફિસર તરીકે મનોજ સોલંકી સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોના વિકાસનું આયોજન કરનાર પૂર્વ નગર સેવકો ફરી એકત્ર થયા હતા. મનોજ સોલંકી ફરી એક વખત મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા પૂર્વ નગર સેવકોએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી જૂની યાદો તાજી કરી હતી અને શહેરના વિકાસ અંગે ચર્ચા કરી હતી.

 

મુલાકાત દરમિયાન સૌપ્રથમ વર્ષ 2005ની 21 સભ્યોની ટીમમાંથી હવે દેવલોક પામેલા નયનાબેન પરીખ અને શૈલેષભાઈ ભટ્ટને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ અશોક પટેલ, પૂર્વ પ્રમુખ ગુણવંતીબેન કંસારા, પૂર્વ ઉપપ્રમુખ જગદીશ પટેલ સૂર્યાબેન પુવાર પૂર્વ શહેર પ્રમુખ જગદીશ ભાવસાર તેમજ વિવિધ સમિતિના પૂર્વ ચેરમેન અને નગર સેવકો કમલેશ પટેલ, જીવદયા પ્રેમી નિલેશ જોષી, રાજુ સગર, પ્રો. આર.આર. રોહિત, મિનેશ શાહ અશોક ભાવસાર અને ભગવાનદાસ ભોઈ નિકેશ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

પૂર્વ નગર સેવકોએ જણાવ્યું હતું કે, મોડાસા શહેરનો વિસ્તાર વર્ષોથી અનેકગણો વધ્યો છે. શહેરના નવા વિસ્તારોમાં રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા આયોજનબદ્ધ રીતે કામગીરી થવી જરૂરી છે. ચીફ ઓફિસર મનોજ સોલંકી અગાઉ પણ મોડાસા સાથે કામ કરી ચૂક્યા હોવાથી તેઓ શહેરની પરિસ્થિતિ અને જરૂરિયાતોથી પરિચિત છે ત્યારે તેમના અનુભવનો લાભ શહેરના વિકાસમાં મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

 

પૂર્વ નગર સેવકોએ વધુમાં જણાવ્યું કે, અગાઉ રાજ્ય સરકાર તરફથી વિકાસ માટે લાખોમાં ગ્રાન્ટ મળતી હતી, જ્યારે આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉપલબ્ધ બને છે. તેથી પ્રજાના નાણાંનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે માટે દરેક વિકાસ કામ યોગ્ય એન્જિનિયર તથા જવાબદાર કર્મચારીની દેખરેખ હેઠળ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.

 

સાથે જ જે તે વિસ્તારના વિકાસકામો અંગે સ્થાનિક પ્રજાને વિશ્વાસમાં લઈને તેમની જરૂરિયાત અને સૂચનોને ધ્યાનમાં લેવામાં આવે, તો વિકાસના કામોનો સીધો લાભ નગરજનોને મળી શકે અને મોડાસા શહેરનો સર્વાંગી વિકાસ વધુ ઝડપથી થઈ શકે તેવી લાગણી પૂર્વ નગર સેવકોએ વ્યક્ત કરી હતી.

 

મુલાકાત દરમિયાન જૂના સહકાર, ટીમવર્ક અને તે સમયના વિકાસકાર્યોની યાદો પણ તાજી થઈ હતી. 2005ની ટીમના સાથીદારો અને તે સમયના ચીફ ઓફિસર વચ્ચેની આ મુલાકાતને પૂર્વ નગર સેવકોની એક યાદગાર પુનર્મિલન મુલાકાત તરીકે જોવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!