અંબાજી પદયાત્રીઓ માટે દરગાહ કમિટીની સરાહનીય સેવા, વિશ્રામ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ
માનવતા અને કોમી એકતાથી મોટો કોઈ ધર્મ નથી તેનો જીવંત સંદેશ ઇડર નજીક માથાસુર પાસે આવેલી ઐતિહાસિક ગેબનશાહ પીર દરગાહ ખાતે જોવા મળી રહ્યો છે.
ભાદરવી પૂનમના અંબાજી મહામેળા નિમિત્તે અંબાજી ધામ તરફ પગપાળા જઈ રહેલા હજારો માઈ ભક્તો માટે ગેબનશાહ દરગાહ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પદયાત્રીઓના થાકને દૂર કરવા માટે દરગાહ ખાતે વિશ્રામ અને ઊંઘવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પદયાત્રીઓ માટે શુદ્ધ અને ઠંડા પીવાના પાણીની પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે દરગાહ કમિટી તેમજ સ્થાનિક સ્વયંસેવકો રાત-દિવસ સેવા માટે ખડેપગે રહે છે.
આ સેવા કેમ્પનું સૌથી વિશેષ પાસું એ છે કે હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. ધર્મની સીમાઓથી ઉપર ઉઠીને માનવતાના ભાવ સાથે કરવામાં આવતી આ સેવા સમગ્ર વિસ્તારમાં ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપી રહી છે.દરગાહ ખાતે રોકાયેલા માઈ ભક્તોએ પણ અહીં મળતી સુવિધાઓ અને સેવાભાવ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગેબનશાહ દરગાહ કમિટીની કામગીરીને બિરદાવી હતી.
ગેબનશાહ દરગાહ કમિટી દ્વારા કરવામાં આવતી આ સેવાભાવી કામગીરી માનવતા, ભાઈચારો અને સામાજિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.




