ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મદિન નિમિત્તે ભિલોડા તાલુકાના નારસોલીનું શ્રી એકલિંગજી મંદિર આશીર્વાદ ના દીવાઓની રોશનીથી ઝળહળ્યું હતું. અને વિશેષ રૂદ્રાભિષેક, પાઠ અને શિવ મહાપૂજાનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું.
ભારત દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬માં જન્મદિવસની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસરે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલી ગામ ખાતે આવેલ આસ્થાના પ્રતિક સમાન શ્રી એકલિંગજી મંદિર પરિસરમાં હજારો દીવાઓથી ભવ્ય રોશની કરી ઝગમગાવવામાં આવ્યું હતું.
દિવાઓની દિવ્ય રોશનીથી વાતાવરણ બન્યું ભક્તિમય વડાપ્રધાનના દીર્ધાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની શુભ કામનાઓ સાથે યોજાયેલી આ ઉજવણીના ભાગરૂપે મંદિરના પ્રાંગણમાં અને સીડીઓ પર દીવાઓ પ્રગટાવવામાં આવ્યાં હતાં. દિવડાઓની દિવ્ય જ્યોતથી સમગ્ર વાતાવરણ અત્યંત સુંદર અને ભક્તિમય બની ગયું હતું. ઈષ્ટદેવ શ્રી એકલિંગજીના દર્શને પહોંચેલા અસંખ્ય ભક્તોએ આ અલૌકિક અને અદ્ભુત નજારાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
ધર્મ, સંસ્કૃતિ અને વિકાસની પરંપરા સાથે વિશેષ અનુષ્ઠાન
‘શ્રદ્ધા, આદર અને વિકાસની પરંપરા’ અને ‘ધર્મ, સંસ્કૃતિ અને વિકાસ’ના સૂત્રને ચરિતાર્થ કરતા શ્રી એકલિંગજી ટ્રસ્ટ, નારસોલી દ્વારા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂદ્રાભિષેક પાઠ અને શિવ મહાપૂજાનું ભવ્ય આયોજન સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર અવસરે ઈષ્ટદેવ શ્રી એકલિંગજી પ્રભુ વડાપ્રધાનશ્રીને દીર્ધાયુ પ્રદાન કરે અને સમગ્ર ભારત દેશવાસીઓના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.




