32.6 C
Gujarat
Wednesday, October 14, 2026
Home HeadLines મોડાસા બસ સ્ટેશનમાં મજબૂરીનો માર!!! “સંડાસ જાને કા દસ રૂપિયા લગતા હૈ...

મોડાસા બસ સ્ટેશનમાં મજબૂરીનો માર!!! “સંડાસ જાને કા દસ રૂપિયા લગતા હૈ તો લગતા હૈ

0

મોડાસા બસ સ્ટેશનમાં શૌચાલય માટે રૂ. 1ના બદલે રૂ. 10ની વસૂલાતનો આક્ષેપ, વીડિયો વાયરલ

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં મોડાસા બસ સ્ટેશન ખાતે પ્રાથમિક સુવિધાના નામે મુસાફરો પાસેથી નિયત દર કરતાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. બસ સ્ટેશનના શૌચાલયમાં લઘુશંકા માટે રૂ. 1 અને શૌચ માટે નિયત દર કરતાં વધુ રૂ. 10 લેવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે મુસાફરો પાસેથી થતી વસૂલાત અને તંત્રની દેખરેખ સામે સવાલો ઊભા થયા છે.

વાયરલ વીડિયોમાં બસ સ્ટેશનના શૌચાલયમાં કાર્યરત કર્મચારી મુસાફર પાસે રૂ. 10ની માંગણી કરતો જોવા અને સાંભળવા મળે છે. વીડિયોમાં કર્મચારી એવું કહેતો સંભળાય છે કે, “સંડાસ જાને કા દસ રૂપિયા લગતા હૈ તો લગતા હૈ.” બીજી તરફ, શૌચાલયની બહાર લગાવવામાં આવેલા બોર્ડ પર લઘુશંકા માટે રૂ. 1નો દર દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આમ, બોર્ડ પર દર્શાવેલા દર અને મુસાફર પાસેથી માંગવામાં આવતી રકમ વચ્ચે તફાવત હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા સ્વચ્છતા અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે ગામડે ગામડે શૌચાલય નિર્માણ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે જાહેર પરિવહન સાથે સંકળાયેલા બસ સ્ટેશનમાં જ શૌચાલય જેવી પાયાની સુવિધા માટે નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો ચિંતાજનક છે. ખાસ કરીને રોજિંદા મુસાફરો, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય જરૂરિયાતમંદ મુસાફરો માટે આવી સુવિધાઓ પારદર્શક અને પરવડે તેવી હોવી જરૂરી છે.

મોડાસા બસ સ્ટેશન પીપીપી ધોરણે વિકસાવવામાં આવી રહ્યું હોય કે તેનું સંચાલન ખાનગી ભાગીદારી હેઠળ થતું હોય, પરંતુ મુસાફરો પાસેથી લેવામાં આવતા ચાર્જ અને જાહેર સુવિધાઓના નિયમો અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. જો નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોય, તો જવાબદાર સંચાલક સામે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી શકે છે.

તંત્ર તપાસ કરશે?
વાયરલ વીડિયોના આધારે સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને શૌચાલયના અધિકૃત દર, વસૂલાતની પદ્ધતિ તથા સંચાલનની જવાબદારી અંગે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. મુસાફરોને નિયત દરની જાણ થાય તે માટે સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવામાં આવે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી હોય તો તેને અટકાવવામાં આવે તેવી અપેક્ષા છે.

હાલ આ મામલે સંબંધિત તંત્રનો સત્તાવાર પક્ષ અને તપાસની સ્થિતિ સ્પષ્ટ થવાની બાકી છે. જોકે, વાયરલ વીડિયોએ એક મહત્વનો સવાલ જરૂર ઊભો કર્યો છે કે, જાહેર સુવિધાના નામે મુસાફરો પાસેથી કેટલી રકમ વસૂલવાની મંજૂરી છે અને નિયત દર કરતાં વધુ વસૂલાત થાય તો જવાબદારી કોની રહેશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!