25 ફેબ્રુઆરીએ ઠરાવ અને 16 મેએ ટેન્ડર પ્રક્રિયા છતાં કામ શરૂ ન થતાં સવાલો ઊઠ્યા
ધનસુરા: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં CCTV કેમેરા અને માઇક-સાઉન્ડ સિસ્ટમ લગાવવાની કામગીરીને મંજૂરી મળવામાં વિલંબ થતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના હેતુથી ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવા છતાં 22 ઓક્ટોબર, 2026 સુધી કામને મંજૂરી ન મળતાં ગ્રામ પંચાયતની કમિટીએ રજૂઆત કરી છે.
બુટાલ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ ગામમાં CCTV કેમેરા તથા માઇક-સાઉન્ડ સિસ્ટમ લગાવવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 16 મે, 2026ના રોજ ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા બાદ પણ કામને મંજૂરી ન મળતાં વિલંબ અંગે સવાલો ઊભા થયા છે.
ગ્રામ પંચાયત દ્વારા આ મામલે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં DLPCની મંજૂરી બાકી હોવાનું જણાવવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ગામમાં ચોરીની અનેક ઘટનાઓ બનતી હોવાના કારણે CCTV કેમેરા લગાવવાની કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની અપેક્ષા છે.
આજે, 22 ઓક્ટોબરના રોજ બુટાલ ગ્રામ પંચાયતની સમગ્ર કમિટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને મંજૂરીમાં થઈ રહેલા વિલંબ અંગે રજૂઆત કરવામાં આવી હતી. કમિટીએ મંજૂરીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને CCTV કેમેરા અને સાઉન્ડ સિસ્ટમનું કામ વહેલી તકે શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હવે સવાલ એ છે કે DLPCમાં આ કામની ફાઇલ કયા તબક્કે છે, મંજૂરીમાં વિલંબ થવાનું ચોક્કસ કારણ શું છે અને બુટાલ ગામમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવતું આ કામ ક્યારે શરૂ થશે? આ અંગે સંબંધિત તંત્ર તરફથી સ્પષ્ટતા થાય અને મંજૂરીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ ઊઠી છે.





