30.5 C
Gujarat
Thursday, October 22, 2026
Home HeadLines મોડાસામાં વિકાસકામોની ગુણવત્તા સામે સવાલો! ચાર રસ્તા પોલીસ ચોકી નજીક સ્ટોર્મ વોટર...

મોડાસામાં વિકાસકામોની ગુણવત્તા સામે સવાલો! ચાર રસ્તા પોલીસ ચોકી નજીક સ્ટોર્મ વોટર ડ્રેનેજ વારંવાર તૂટી જતાં સવાલ

0
  • પહેલાં સિમેન્ટનું કામ તૂટતું હતું, હવે લોખંડી જાળી પણ ટકી શકતી નથી!
  • હલકી ગુણવત્તા અંગે અગાઉ અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં સુધારો કેમ નહીં? કોન્ટ્રાક્ટરની કામગીરી પર નગરપાલિકાનું નિયંત્રણ છે કે નહીં?

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિવિધ વિકાસકામોની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. શહેરના ચાર રસ્તા પોલીસ ચોકી નજીક સર્કલ પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા સ્ટોર્મ વોટર ડ્રેન કવર પર લગાવેલી લોખંડી જાળી વારંવાર તૂટી જવાની ઘટના સામે આવતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે.

આ સ્થળે અગાઉ સિમેન્ટથી કરવામાં આવેલી કામગીરી વારંવાર તૂટી જતી હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે લોખંડી જાળી પણ તૂટી જતાં આ કામ કેટલું ટકાઉ અને ગુણવત્તાયુક્ત છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. જ્યારે આ કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ હલકી ગુણવત્તા અંગે સવાલો ઊઠ્યા હતા અને આ મામલે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. તેમ છતાં સ્થિતિમાં અપેક્ષિત સુધારો કેમ જોવા મળતો નથી તે મોટો પ્રશ્ન છે.

કોન્ટ્રાક્ટરની કામગીરી પર નગરપાલિકાનું નિયંત્રણ ક્યાં છે?
વિકાસકામો પાછળ જાહેર નાણાં ખર્ચવામાં આવે છે. આવા કામો લાંબા સમય સુધી ટકે અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત તંત્રની છે. જો એક જ સ્થળે વારંવાર સમારકામ કરવાની નોબત આવતી હોય તો કામની ગુણવત્તા, વપરાયેલી સામગ્રી અને કામગીરીની દેખરેખ અંગે તપાસ થવી જરૂરી છે.

મોડાસા નગરપાલિકા દ્વારા કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? કોન્ટ્રાક્ટરને કઈ શરતો હેઠળ કામ સોંપવામાં આવ્યું હતું? કામગીરીમાં ખામી જણાઈ હોય તો જવાબદારો સામે શું પગલાં લેવામાં આવ્યાં? વારંવાર તૂટતી જાળીના સમારકામનો ખર્ચ કોણ ભોગવશે? આવા સવાલોના જવાબ નગરપાલિકાએ આપવાની જરૂર છે.

મુખ્ય માર્ગોની આ સ્થિતિ તો અંદરના વિસ્તારોમાં શું થતું હશે?
શહેરના મુખ્ય માર્ગ પર જ કરવામાં આવેલી કામગીરીની ટકાઉપણાને લઈને સવાલો ઊભા થતા હોય તો અંદરના વિસ્તારોમાં થતાં વિકાસકામોની ગુણવત્તા અંગે પણ તપાસની જરૂરિયાત ઊભી થાય છે. નાગરિકોના કરવેરાના નાણાંથી થતાં કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે જોવાની જવાબદારી તંત્રની છે.

હવે જોવાનું એ રહેશે કે મોડાસા નગરપાલિકા આ મામલે માત્ર સમારકામ કરીને સંતોષ માને છે કે પછી કામગીરીની ગુણવત્તાની તપાસ કરાવી જવાબદારી પણ નક્કી કરે છે. વારંવાર તૂટતી જાળી માત્ર સમારકામનો મુદ્દો નથી, પરંતુ જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અને વિકાસકામોની ગુણવત્તા અંગે જવાબદારી નક્કી કરવાનો પણ પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!