કાર્તકી પૂનમના મેળામાં લાખ્ખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ સાથે ચેડા કરનાર વેપારીઓ સામે તંત્રની લાલ આંખ
ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ વચ્ચેનો ભેદ દર્શાવતા બોર્ડ હોટલ,રેસ્ટોરન્ટ અને ડેરી પાર્લર સંચાલકોએ ફરજીયાત પ્રદર્શિત કરવા પડશે
રાજેન્દ્રનગર ચોકડીથી રતનપુર બોર્ડર સુધી હાઈવેની હોટલોમાં તપાસ હાથ ધરાઈ, ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરનાર સામે લાયસન્સ સસ્પેન્ડ અને રદ કરવા સુધીની કાર્યવાહી કરવા તંત્ર સજ્જ બન્યું છે
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે યોજાનારા કાર્તિકી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને તપાસ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લીની ટીમે રાજેન્દ્રનગર ચોકડીથી રતનપુર બોર્ડર તથા રતનપુર બોર્ડરથી રાજેન્દ્રનગર ચોકડી સુધી શામળાજી હાઈવેની બંને બાજુ આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. જેમાં કુલ 19 હોટલોની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ફ્રોઝન ડેઝર્ટ અને આઇસક્રીમના વેચાણ અંગે ગ્રાહકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે બંને ખાદ્ય ચીજોના અલગ-અલગ બોર્ડ પ્રદર્શિત કરવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથે જ ખાદ્ય ચીજોના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને પ્રદર્શન માટે ફૂડ લાઇસન્સ હોવું અનિવાર્ય હોવાનું જણાવી નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.
બીજી તરફ તા. 21થી 24 નવેમ્બર દરમિયાન શામળાજી ખાતે યોજાનારા કાર્તિકી પૂનમ મેળાને અનુલક્ષીને ટી-સ્ટોલ, નાસ્તા હાઉસ તેમજ તૈયાર ખાદ્ય ચીજોનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે વેપારીઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ તપાસ અને જાગૃતિ અભિયાનમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ઉષ્મા દરજી તથા ફૂડ સેફ્ટી ઓફિસર વિરલ બરંડા જોડાયા હતા. હોટલો અને રેસ્ટોરન્ટના તપાસ અહેવાલ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ રિપોર્ટમાં ક્ષતિઓ જણાશે તો સંબંધિત પેઢીને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





