વનવિભાગ દીપડાને પાંજરે પુરવા ગામલોકોની માંગ
અરવલ્લી જીલ્લાની ગિરીમાળાઓમાં નિશાચર વન્ય પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જીલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં દીપાડાના આતંકનો અનેક પશુપાલકો ભોગ બન્યા છે ત્યારે ભિલોડા તાલુકાના માંધરી ગામની સીમમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ગામના ખેડૂતના ખેતરમાં આવેલા પશુઓના તબેલામાં બાંધેલા જર્મન શેફર્ડ જાતિના શ્વાનનું દીપડાએ મારણ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,માંધરી ગામના ખેડૂત રમણભાઈ નારાયણભાઈ પટેલના ખેતરમાં આવેલા પશુઓના તબેલામાં જર્મન શેફર્ડ જાતિનો શ્વાન બાંધવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે દીપડાએ તબેલામાં આવી શ્વાન પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં રહેતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.





