મોડાસાના દધાલીયા ગામની પરિણીતાના શંકાસ્પદ મોત મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો, પરિવારની માગણી બાદ પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પરિણીતાના શંકાસ્પદ મોતના મામલે ચકચાર મચી છે. દધાલિયા ગામનાં વતની અને હાલ અમદાવાદના હંસપુરામાં રહેતાં નીલમબેન હરેશભાઈ પંચાલનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. ગત 22 નવેમ્બરના રોજ સાંજે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં નીલમબેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
જોકે, મૃતકના પિયર પક્ષે આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી પતિ અને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ નીલમબેનના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં છેલ્લા એક વર્ષથી તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.મૃતકના ભાઈ દર્શન પંચાલે આક્ષેપ કર્યો હતો કે તેમના બનેવી હરેશભાઈ પંચાલને સામેના બંગલામાં રહેતી એક મહિલા સાથે છેલ્લા એક વર્ષથી આડા સંબંધ હતા. આ બાબતે નીલમબેનને સતત ત્રાસ આપવામાં આવતો હતો. દસ દિવસ અગાઉ આ બાબત સામે આવ્યા બાદ નીલમબેને પોતાના પિયર પક્ષને પણ સમગ્ર હકીકત જણાવી હતી. વધુમાં, તેમના દિયરે પણ આડા સંબંધની વાત બહાર પાડશે તો હરેશભાઈ મારી નાખશે તેવી ધમકી આપ્યાનો ભાઈએ આક્ષેપ કર્યો છે.
બીજી તરફ, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ વખતે પિયર પક્ષના સભ્યોને હાજર રાખવાની અને તેમની સહી બાદ જ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં પરિવારની જાણ અને મંજૂરી વિના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતાં પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર હોબાળો મચાવ્યો હતો.પરિવારજનોએ સમગ્ર મામલે ન્યાયની માગ સાથે ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની માગણી કરી હતી. પરિવારની શંકા અને અસંતોષને ધ્યાનમાં રાખીને મૃતક નીલમબેનનું પેનલ પોસ્ટમોર્ટમ એટલે કે રી-પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.એમ. કાતરિયાએ જણાવ્યું હતું કે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો હોવાનું સામે આવ્યું છે. જોકે, પરિવારજનોની માગણીને ધ્યાનમાં રાખીને તેમની શંકા દૂર કરવા પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરિવારજનો સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ આપશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે નીલમબેનના લગ્નજીવનને 15 વર્ષ થયાં હતાં અને તેમને 13 વર્ષનું એક સંતાન છે. હાલ સમગ્ર મામલે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા હત્યાના આક્ષેપોની તપાસ હવે મહત્ત્વપૂર્ણ બની છે.





