અરવલ્લી : ગુજરાત કિશાન સભાનો જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મેઘરજમાં રેલી યોજી મામલતદારને આવેદન
મેઘરજમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ગુજરાત કિસાન સભાનું વિરોધ પ્રદર્શન, 8 મુદ્દાની માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
અરવલ્લી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, પાક નુકસાની પેટે હેક્ટર દીઠ રૂ. 25 હજાર સહાય અને ખેડૂતોનાં દેવા માફ કરવા
જિલ્લાના મેઘરજ તાલુકામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સભાની આગેવાનીમાં ખેડૂતો, યુવાનો અને મહિલા આગેવાનો દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા પીવાના પાણી, સિંચાઈ, પાક નુકસાની, પશુઓના ઘાસચારા અને દેવા માફી સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવી સરકાર સમક્ષ આઠ મુદ્દાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ 2026-27 દરમિયાન અલનીનોની અસરના કારણે વરસાદની અછત અને અનિયમિત વરસાદ પડતાં ડાંગર, મકાઈ, સોયાબીન, શાકભાજી અને ઘાસચારા સહિતના ખરીફ પાકને પૂરતું પાણી મળ્યું નથી. સિંચાઈની સુવિધાના અભાવે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આગામી રવિ સિઝનમાં પણ પાણીની અછતના કારણે ખેતી થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતો, ખેતમજૂરો અને શ્રમિકોની રોજગારી સામે પણ સંકટ ઊભું થયું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, નિષ્ફળ ગયેલા ખરીફ પાક માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ હેક્ટર દીઠ રૂ. 25 હજારનું વળતર ચૂકવવા, પશુધન બચાવવા ઘાસના ડેપો શરૂ કરવા તેમજ પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરોના દેવા માફ કરવા, જંગલની જમીન ખેડતા ખેડૂતોને કાયમી હક્ક અને પટ્ટા આપવા, સૌની યોજના હેઠળ જિલ્લાના તમામ તળાવો ભરી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા તથા વર્ષોથી ખરાબા અને ગૌચરની જમીન ખેડતા ખેડૂતોને કાયમી ખેડૂત ખાતેદાર અને માલિક બનાવવાની માંગ પણ કરવામાં આવી છે.
ખેડૂતો દ્વારા નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે પીવાના પાણીની સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ તમામ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી.ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા 15 દિવસની અંદર માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લાના ખેડૂતોને સંગઠિત કરી ગામેગામ બેઠકો અને સભાઓ યોજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો પશુઓ સાથે મામલતદાર કચેરી ખાતે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.





