ચાની કિટલી, નાસ્તાની લારી, હોટલ-રેસ્ટોરન્ટમાં અને સ્ક્રેપના ગોડાઉનોમાં ભંગાર જુદો કરવા ઘરવપરાશના ગેસ સિલિન્ડરોની થતી કાળાબજારી
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઘરવપરાશના એલપીજી ગેસ સિલિન્ડરનો બેફામપણે જગજાહેર કોમર્શિયલ ઉપયોગ થઇ રહ્યો છે. ચાની કિટલી, નાસ્તાની લારી, હોટલ-રેસ્ટોરન્ટ,નાસ્તા હાઉસોમાં અને ભંગારના ગોડાઉનોમાં ખુલ્લેઆમ એલપીજી સિલિન્ડરો જ ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરો મોંઘા ભાવે મળતા હોવાથી ઘરવપરાશના ગેસ સિલિન્ડરોનો જ વપરાશ જોવા મળી રહ્યો છે. જે અકસ્માતો નોતરી શકે છે.આગ,વિસ્ફોટ જેવા બનાવો બનાવની સતત દહેશત પેદા થઇ છે આ બદી રોકવાની જેની જવાબદારી છે તે પુરવઠા ખાતું આંખઆડા કાન કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરમાં પુરવઠા તંત્રની આંખ આડે કાન કે પછી મીલીભગતના પગલે ઘરેલુ એલપીજી સિલિન્ડર વેચાણ કરતી એજન્સીઓ અને કર્મચારીઓ ઘરેલુ ગેસનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે શહેરના માર્ગો પર ઉભી રહેતી રેકડીઓ અને નાસ્તાની લારીઓ પર જોવા મળતા એલપીજી સિલિન્ડરનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે શહેરના જાગૃત નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આડેધડ, સેફ્ટી નોમ્સ વગર, જાહેર રોડ પર ગેસ સિલિન્ડરના બાટલા અને તે પણ ઘરેલું ગેસ સિલિન્ડર કાળા બજારમાં , ખોટી રીતે વાપરી શકાય કે કેમ ? ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોમર્શિયલ ક્ષેત્રમાં ઘરેલુ એલપીજી બોટલના ઉપયોગ દરમિયાન અનેક દુર્ઘટનાઓ ઘટી છે.આગ લાગે છે, વિસ્ફોટ થાય છે છતાંય પુરવઠા ખાતું કેમ પગલા લેતું નથી.
શહેરભરમાં દરેક જગ્યાએ કોમર્શિયલ એકમોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જગ્યાએ ઘરેલું એલપીજી સિલિન્ડર વપરાઇ રહ્યા છે. કોમર્શિયલ સિલિન્ડરનો ૧૫ કિલોનો ભાવ ૧૪૦૦ રૂપિયાની અને ૨૧ કિલોના સિલિન્ડરનો ભાવ ૨૨૫૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. આટલો મોંઘો બાટલો આર્થિક રીતે પરવળે તેમ ન હોવાથી કોમર્શિયલ એકમોમાં એલપીજી સિલિન્ડર કાળા બજારમાં વપરાઇ રહ્યા છે.

એલપીજી સિલિન્ડર હાલમાં ૯૦૦ રૂપિયાની આજુબાજુમાં ૧૪.૨૦૦ કિલોનો મળતો હોય છે. જે ૧૧૦૦ થી ૧૫૦૦ રૂપિયામાં કાળા બજારમાં વેચી દેવામાં આવતો હોય છે. ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડર બારોબાર કાળાબજારમાં વેચી મારતા હોવાની પણ ફરિયાદો છે. કેટલાક કિસ્સામાં ગ્રાહકો પણ કમાણીના ઉદ્દેશથી બાટલા બ્લેકમાં વેચતા હોય છે.
શહેરના માર્ગો પર ઉભી રહેતી ખાણીપીણીની રેકડીઓ પર, ચા-નાસ્તાની લારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટમાં જેવા કોમર્શિયલ એકમોમાં એલપીજી સિલિન્ડર જ વપરાશમાં લેવાઇ રહ્યા છે.

પુરવઠા ખાતાએ દરોડો પાડીને એલપીજી સિલિન્ડર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ અને કોમર્શિયલ એકમોવાળાઓ ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડર જ નવપરાશમાં લે તે જોવા માટે સમયાંતરે ચેકિંગની પણ વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગણી ઉઠી છે.નાગરીક પુરવઠા ખાતાના અધિકારીઓ ઘરવપરાશના એલપીજી સિલિન્ડરોના કોમર્શિયલ ઉપયોગના ગુન્હાભંગ બદલ આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૫૫ અને ધી પ્રિવેન્શન ઓફ બ્લોક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્સીયલ કોમોડીટીઝ એક્ટ ૧૯૮૦ મુજબ કડક કાનુની પગલા લઇને જેલની સજા ફટકારે તેવી લોક માંગ પ્રબળ બની છે
