34 C
Ahmedabad
Friday, April 19, 2024

જશુ પટેલની નારાજગી દૂર કરવી ‘આપ’ ના ‘હાથ’માં..!!! હર્ષભેર સ્વીકારવા કોણે દર્શાવી તૈયારી


અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર મોટો ઉલટફેર થવાના એંધાણને લઇને જશુ પટેલ નારાજ ચાલી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાતા વર્તમાન ધારાસભ્ય જશુ પટેલ બે દિવસથી નારાજ ચાલી રહ્યા છે. એવી પણ વાતો સામે આવી છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે ત્યારે વર્તમાન ધારાસભ્ય જશુ પટેલની નારાજગી ખુલીને સામે આવી છે, તેઓ દિલ્હી હાઈકમાન્ડને પણ મળી ચૂક્યા છે અને શનિવારના રોજ તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ કોંગ્રેસને બાય-બાય પણ કરી શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું જશુ પટેલ કોંગ્રેસ છોડશે તો આપમાં જોડાશે કે પછી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના તત્કાલિન કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપનો ખેસ ધારણ કરતા પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલની જીત થઇ હતી. કપરા સમયમાં કોંગ્રેસ પાર્ટીએ જશુ પટેલને મેદાને ઉતારી બેઠક પર પુન:જીત મેળવવામાં સફળતા મળી હતી, ત્યારથી જ જશુ પટેલ સતત લોકસંપર્કમાં જોવા મળી રહ્યા છે. હવે પેરાશૂટ ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહનું નામ બાયડ બેઠક પરથી ચાલતા જશુ પટેલ બે દિવસથી નારાજ ચાલી રહ્યા છે અને સતત દિલ્હી અને અમદાવાદના ચક્કર લગાવી રહ્યા છે.જશુ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ક્યાં જઇ શકે છે?
કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જશુ પટેલ જો કોંગ્રેસ સાથે છેડો ફાડે તો આમ આદમી પાર્ટી તેઓને આવકારવા તૈયાર છે આ અંગે પ્રભારી જયદીપસિંહ ચૌહાણે મેરા ગુજરાત સાથે વાતચીતમાં જણાવ્યું કે, કોંગ્રેસ હવે પૂરી થઇ ગઇ છે નેતાઓની કોઇ કદર નથી. આમ આદમી પાર્ટી પ્રભારી જયદીપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, તેઓ સારા નેતાઓને સ્વીકારશે. રાજ્યના કોંગ્રેસ અને ભાજપના સારા નેતાઓને જોડવા તેઓ ઇચ્છી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સારા નેતાઓની કદર કરતી નથી. જો જશુ પટેલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં આવે તો તોઓ હર્ષભેર સ્વીકારીશું. આ અંગે ધારાસભ્ય જશુ પટેલનો મત જાણવાનો પ્રયાસ મેરા ગુજરાતે કર્યો હતો પણ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું, તો બીજી બાજુ તેમના પુત્ર નિશ્ચલ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ આ બાબતે કંઇ જ જણાતા નથી.હાલ તો કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ નારાજ છે અને આગામી સમયમાં શુ નિર્ણય લે છે તે જોવું રહ્યું પરંતુ જશુ પટેલ કોંગ્રેસ છોડે તો તેઓનો આવકારવા રાજકીય પક્ષો તૈયાર છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં નારાજીગી છાશવારે આવતી હોય છે  જેને લઇને કોંગ્રેસ પાર્ટી અત્યારસુધીમાં મોટુ રાજકીય નુકસાન ભોગવી ચૂકી છે, જેનો સીધો ફાયદો ભાજપને થયો છે. ત્યારે આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લામાં ફાયદો ભાજપને થાય તો નવાઈ નહીં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!