ઉત્તર કોસોવોમાં સર્બ સમુદાયે મંગળવારે રસ્તા પર વધુ અવરોધો લગાવી દીધા. આના એક દિવસ પહેલા, સર્બિયાએ સરહદ નજીક પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા. જો કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે સર્બ લોકોને વિનંતી કરી કે તે અગાઉ મૂકવામાં આવેલી નાકાબંધી દૂર કરે. ઉત્તર કોસોવોના મિટ્રોવિકા શહેરમાં રાતોરાત, ભારે ટ્રકોને રસ્તા પર ઉભા કરી દેવામાં આવ્યા. આ શહેર કોસોવો સર્બ અને વંશીય અલ્બેનિયનો વચ્ચે વહેંચાયેલું છે. વંશીય અલ્બેનિયનો કોસોવોમાં બહુમતી ધરાવે છે.
તાજેતરમાં કટોકટી ફાટી નીકળી ત્યારથી આ પ્રથમ વખત છે કે સર્બ સમુદાયે મુખ્ય શહેરના સરતાઓ અવરોધિત કર્યા છે. અત્યાર સુધી, માત્ર કોસોવો-સર્બિયા સરહદ તરફ જતા રસ્તાઓ જ અવરોધિત કરવામાં આવ્યા હતા. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકે કહ્યું છે કે તેમણે સેનાને “અમારા લોકો અને સર્બિયા (કોસોવોમાં)” ની સુરક્ષા માટે સતર્ક રહેવા કહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે કોસોવો દેશના ઉત્તર ભાગમાં કોસોવો સર્બ્સ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે અને ભૂતપૂર્વ કોસોવો સર્બ પોલીસ અધિકારીની ધરપકડના વિરોધમાં સર્બોએ 18 દિવસ અગાઉ લગાવેલા બેરિકેડ્સને બળજબરીથી દૂર કર્યા હતા.
વ્યુસિકે જણાવ્યું હતું કે તેઓ EU અને US મધ્યસ્થીઓ સાથે શાંતિ જાળવવા અને વર્તમાન કટોકટીનો ઉકેલ શોધવા માટે વાટાઘાટ કરી રહ્યા છે. સર્બિયાના વડા પ્રધાન અના બર્નાબીકે મંગળવારે એવા દાવા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે સર્બિયાએ કોસોવોમાં સશસ્ત્ર માણસો મોકલ્યા છે જે કદાચ અવરોધોનું રક્ષણ કરી રહ્યા છે.
સર્બિયન સેના હાઈ એલર્ટ પર
સર્બિયાના સંરક્ષણ પ્રધાને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિએ લડાઈ માટે સેનાને હાઈ એલર્ટ પર રાખી છે. એટલે કે જરૂર પડ્યે તેમને હથિયારોનો ઉપયોગ કરવાની છૂટ છે. સંરક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિએ વર્તમાન સશસ્ત્ર દળોની હાજરી 1,500 થી વધારીને 5,000 કરવાનો આદેશ આપ્યો છે. દેશના ગૃહમંત્રી બ્રાતિસ્લાવ ગેસિકે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ દરમિયાન સેના કમાન્ડર તેમને જરૂરિયાત મુજબ આદેશ આપશે.