ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ કરવા પડે અને દિવસે વીજળી મળે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો જોકે ખેડૂતોને દિવસના બદલે રાત્રીએ વીજળી આપવામાં આવી રહી છે. હાલ કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો રાત્રિના સમયે ઉજાગરા વેઠીને પાણી વાળવા મજબૂર બન્યા છે અને વીજ કંપનીના અધિકારીઓ રાત્રિના ઘરે બેસીને હિટરમાં ઠંડીથી રાહત મેળવી રહ્યા હોય તેવું લાગે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલિખડ સહિતના પંથકમાં ખેડૂતોને રાત્રિના સમયે વીજળી મળતા ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને દિવસના બદલે રાત્રિના અનિશ્ચિત સમયે વીજળી આપવામાં આવતા ખેડૂતોના ઉજાગરા વધી ગયા છે. આવી હાડ થીજવતી ઠંડીથી એકવાર વહીવટી તંત્રના અધિકારીઓએ રાત્રિના સમયે ખેતરમાં લટાર મારવી જોઈએ તો ખ્યાલ આવે કે, રાત્રિના સમયે ખેડૂત કેવી રીતે કામ કરતો હશે.
મોડાસા તાલુકાના કોલિખડ પંથકના ખેડૂતોનું કહેવું છે કે, સરકાર કિસાન સૂર્યોદય યોજના લાવી પણ હજુ સુધી તેમના વિસ્તારમાં આ યોજનાના લાભથી તેઓ વંચિત છે. કિસાન સૂર્યોદય લાભ નહીં મળવાથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં પાણી વાળવા મજબૂર બન્યા છે. રાત્રિના 12 કલાકે વીજળી આપવામાં આવે છે જેથી કડકડતી ઠંડીમાં તાપણાનો સહારો લઈને શરીરને ગરમ રાખવું પડે છે આ સાથે જ ઝેરી જીવ-જંતુઓનો પણ ડર રહેતો હોય છે. તેઓ ભયના ઓથાર નીચે પિયત કરવું પડે છે અને સરકારને વિનંતી કરે છે કે, તેઓની વાત સાંભળવામાં આવે અને દિવસે વીજળી આપવામાં આવે.