એક હતી ચકી અને એક હતો ચકો,ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. આ વાર્તા આપણે નાનપણમાં સૌએ સાંભળી કે વાંચી હશે.અને આપણી આસપાસ અને ઘરની દિવાલોના ગોખલામાં માળો બનાવીને ચીચી કરી કીલકારી કરી વાતાવરણમાં મધુર સંગીત પ્રસરાવી દેતી ચકલી જોઈ હશે.પણ કદાચ આવનારી પેઢીને આપણે ચકલીનો ફોટો કે વિડિયો બતાવીને સંતોષ માનવો પડશે તેવી પરિસ્થીતી ઉભી થાય તો નવાઈ નહી. કારણ કે આ ચીચી કરતી ચકલીઓ હવે ઘરની આસપાસ કે પછી ગોખલામાં ખુબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે.આપણે એક જાગૃત નાગરિક તરીકે આ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવાના પ્રયત્નો કરવા જોઈએ.
એક સમયે ટોળેબંધ જોવા મળતી ચકલીની પ્રજાતિ જાણે આજે લુપ્ત થવાની કગાર પર આવીને ઉભી છે.સવારના પહોરમા ચીંચીં કરતી ચકલીની ગુંજ આવનારી ભાવી પેઢીને સાભંળવા ન મળે તો નવાઈ નહી. આજે સમગ્રમાં વિશ્વમાં ચકલીના સંરક્ષણ અને જાગૃતિ માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામા આવે છે. બદલાતા જતા સમયની સાથે લીલાછમ જંગલો મનુષ્યના હાથ કપાતા ગયા અને કોંક્રિટના વિશાળકાય જંગલો બનતા ગયા.પરિણામે ચકલીઓએ પોતાના રહેઠાણને જાણે છોડી દેવાની ફરજ પડી હોય તેવી પરિસ્થીતીનું નિર્માણ થયું. એક સમયે ચકલી ઘરની દિવાલો પર ટીંગાળેલી તસવીરો પાછળ,ઘરના છાપરાના ભાગે,પોતાનો માળો બાંધતી જોવા મળતી હતી. અને ચકલી પોતાના માળામાં ચારથી પાંચ ઈંડા મુકતી હતી.
એક બાજુ પ્રદુષણ અને મોબાઈલ રેડિએશનના કારણે ચકલીના અસ્તિત્વ પર જોખમ ઉભું થવા પામ્યુ છેં. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ચકલીની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે.ગ્રામીણ વિસ્તારમાં પણ ચકલીઓ જોવા મળે છે.પણ તેની સંખ્યા જુજ છે એમ કહી શકાય.ત્યારે આ નાના પક્ષીને બચાવા માટે આપણે નાગરિકધર્મ નિભાવો જોઈએ,જેમા પક્ષીઓના માળા બનાવીને આસપાસ લટકાવા જોઈએ.જેથી ચકલી તેમનો માળો બનાવી શકે અને ઇંડા મુકીને તેમની વસ્તીમાં વધારો કરી શકે. આ મામલે ઘણી પ્રકૃતિપ્રેમી સામાજીક સંસ્થાઓ આ દિવસે સેવાકીય પ્રવૃતિ કરતી હોય છે.