ગુજરાતમાં અખલાઓ ગૌચર ચરી ગયા હોય તેવી સ્થિતી પ્રવર્તી રહી છે ગામડાઓમાં દિવસે ને દિવસે ગૌચર ઘટી રહ્યા છે સાબરકાંઠા જીલ્લામાં કેટલાક ગ્રામ્ય ગૌચરની જમીનો પચાવી પાડી છે ગૌચરની જમીન ખેતરોમાં ભેળવી દીધી છે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામના ગૌચરમાં કેટલાક ભૂમાફિયાઓએ કબ્જો કરી લેતા ભારે ચકચાર મચી છે ગૌચરમાંથી બેફામ રીતે ગેરકાયદેસર ખનન અને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી ભૂમાફિયાઓ વહીવટી તંત્ર, ખાણખનીજ વિભાગ અને વનવિભાગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોવા છતાં તંત્ર આંખ આડે કાન કરતુ હોવાનું ગામલોકો અહેસાસ અનુભવી રહ્યા છે જીલ્લા કલેકટર એચ.કે.કોયા આ અંગે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે પેઢામાલા ગામના ગૌચર પર કબ્જો જમાવનાર ભુમાફિયાઓને એક રિસોર્ટ માલિકનું રક્ષણ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામના ગૌચરમાં આવેલા ડુંગર પર ગેરકાયદેસર કબ્જો કરનાર ભૂમાફિયાઓ એક રાજકીય અગ્રણીઓ અને મહેસાણા,ગાંધીનગર બેઠેલા આકાઓનું પીઠબળ ધરાવતા એક રિસોર્ટ માલિક રક્ષણ પુરી પાડી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ભુમાફિયાઓને રક્ષણ આપતા અને ગૌચરની જમીન પચાવી પાડવા મથતા રીસોર્ટ સંચાલકો સામે ગામલોકોમાં ભારે છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે જો કે રિસોર્ટ સંચાલકોની દાદાગીરી સામે ગામલોકો પણ ચુપકીદી સાધી લેવા મજબુર બન્યા હોવાની અંદરોઅંદર ચર્ચા ચાલી રહી છે
હિંમતનગર તાલુકાનું પેઢમાલા ગામના ગૌચર અને ડુંગરાળ વિસ્તારમાં આશારામના પુત્ર નારાયણ સાંઈએ આશ્રમ ઉભો કરી અડિંગો જમવ્યો હતો પરંતુ આશારામ અને નારાયણ સાંઈની કરતુતનો પર્દાફાશ થતા પેઢમાલાનું ગૌચર વિવાદીત બન્યું હતું લગભગ ૯૦૦ એકરમાં ફેલાયેલ ગૌચરમાં ડુંગર પર આવેલી જમીનમાં ભૂમાફિયાઓએ કબ્જો જમાવી દિધો છે ગામના પશુપાલકો ઢોર ચરાવવા જાય તો ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકીઓ આપી રહ્યાં છે ગામની મહિલાઓ પશુઓ ચરાવવા પહોંચે તો તેમની સામે બિભસ્ત ચેનચાળા કરવાની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ભુમાફિયાઓને કોઈ રિસોર્ટ માલિકનું રક્ષણ હોવાથી બેફામ બની ગામલોકોને ધમકાવી ગૌચરમાં પ્રવેશ કરવા દેતા નથી તેમજ ડુંગરાળ વિસ્તારમાં ખનન કરતા સમાયે ડ્રોનનો ઉપયોગ કરી લોકોની અવર-જવર પર ધ્યાન રાખી રહ્યા છે ભૂમાફિયાઓના બેફામ ત્રાસથી પેઢમાલા સરપંચે સ્થાનિક વહીવટી તંત્ર રજુઆત કરી હોવા છતાં ન્યાય નહીં મળતા ૭ દિવસ અગાઉ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરવાની ફરજ પડી હતી
પેઢમાલાના ગૌચર દબાવી બેઠેલા ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનન અને આડેધડ વ્રુક્ષોનું નિકંદન કાઢી રહ્યા હોવા છતાં ખાણખનીજ વિભાગ અને વનવિભાગ તંત્ર આંખ આડે કાન કરતા તેમની કામગીરી સામે પણ અનેક સવાલો પેદા થયા છે ભૂમાફિયાઓને સ્થાનીક પોલીસ પણ રક્ષણ આપતી હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે





