સમગ્ર રાજ્યમાં પંચાયત વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાનાર છે. અરવલ્લી જિલ્લાના 53 પરીક્ષા કેન્દ્રો છે જેમાં 562 વર્ગખંડોમાં બપોરે 12.30 થી 1.30 સુધી પરીક્ષા યોજાનાર છે. અરવલ્લી જિલ્લા ખાતેથી કુલ 16,860 ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જવાબદારી પોલિસ વિભાગની છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે જ અફવાઓથી દૂર રહેલા જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે અપીલ કરી છે.
જિલ્લા પોલિસ તંત્રની અપીલ
- સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજથી દૂર રહેવું અને સાચી માહિતી માટે સંલગ્ન આયોગનો સંપર્ક કરવો
- પેપર લીક, પરીક્ષામાં પાસ કરાવી દેવા જેવા લેભાગુ તત્વોની વાતોમાં ન આવવું અને તાત્કાલિક આવા ઇસમો અંગે પોલિસને જાણ કરવી
- પૈસા લઈને નોકરી અપાવનાર ખોટા વચેટિયાઓથી સાવધાન રહેવું
- પેપર ફુટવા અંગે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવી ગુનો બને છે
- કોઈપણ મુંજવણ અથવા તો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો ખોટી વ્યક્તિ કે જે પરીક્ષાને લઇને લોભામણી વાત કરે તો તાત્કાલિક નજીકના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવો
- ખોટી અફવાઓ ફેલાવનાર વ્યક્તિઓ પર એસ.ઓ.જી., એલ.સી.બી. સહિતની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
કોઈપણ મદદ અથવા તો શંકાસ્પદ વ્યક્તિ અંગે જાણકારી આપવા અરવલ્લી જિલ્લા પોલિસ કંટ્રોલ રૂમ નંબર 02774 – 250 111ય113, 951233662 પર સંપર્ક કરી શકાશે.
અરવલ્લી જિલ્લામાં યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષાને લઇને 53 કેન્દ્રો પર PSI / ASI કક્ષાના અધિકારીઓ તૈનાત રહેશે.. આ સાથે જ 1 ડિવાયએસપી કક્ષાના અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લા પંચાયત સ્ટ્રોંગ રૂમ ખાતે 6 એસ.આર. પી. જવાન સાથેની ટીમ પણ તૈનાત કરાઈ છે. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં પરીક્ષાને લઇને 1600 જેટલા પોલિસ કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે.