અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા મનરેગાના કામ તેમજ વિકાસલક્ષી કામગીરીના નિરીક્ષણો કરી રહ્યા છે ત્યારે મોડાસા તાલુકાના મેઢાસણ, સરડોઈ, શામપુર સહિતના વિસ્તારોની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ પહોંચ્યા હતા.
મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામ પંચાયત ભવનનું કામકાજ અને અન્ય વિકાસના કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારી ગૌરાંગ પટેલ ની સાથે નરેગા ની ટીમે ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ ઉષાબા કુવાર, પૂર્વ સરપંચ જયદીપસિંહ પુવારે તળાવ ભરવા બાબતે, સ્મશાન અને ચામુંડા માતાજી મંદિર આગળ પેવર બ્લોક અને મુખ્ય બજારમાં પેવર બ્લોક નાખવાની સાથે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની જરૂરિયાતની વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આ તમામ યોજના અને ઘન કચરા ના નિકાલ માટેની વ્યવસ્થા ની અગ્રતાએ જરૂરિયાત હોવાની રજૂઆત કરવામાં આવી.
આ મુલાકાત અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત દરમિયાન ગ્રામ પંચાયતના તલાટી ચિંતન પટેલ, ડેપ્યુટી સરપંચ અમૃતભાઈ વણકર, પાણી સમિતિ ચેરમેન રાજેન્દ્રસિંહ રહેવર અને પંચાયતના કર્મચારીઓ ની સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પંચાયતની કામગીરી અને ઉત્સાહ જોઈ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે સરડોઈ સરપંચ અને તેમની આખી ટીમની કામગીરીને બિરદાવેલ હતી. ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર ની અને નવીન પંચાયત ભવન માટે સોલાર સિસ્ટમ ની જરૂરિયાત હોવાની પૂર્વ સરપંચ જયદત્તસિંહ પુવાર એ રજૂઆત કરતા તેની પણ મંજૂરી આપેલ હતી.