અરવલ્લી જિલ્લા પોક્સો કોર્ટે સગીરાને છેડતી અને અડપલા કેસમાં એક વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો છે. થોડા સમય પહેલા જિલ્લાના ધનસુરા તાલુકામાં ભોગ બનનાર સ્કૂલ જતી હતી, તે સમય દરમિયાન આરોપી તેને શારિરીક અડપલા અને જાતિય સતામણી કરતો હતો. એટલું જ નહીં બિભત્સ ચેનચાળા કરતો હતો ત્યારે આ ઘટનાને લઇને ધનસુરા પોલિસે તપાસ કરી હતી. આ સમગ્ર મામલે પોક્સો કોર્ટમાં સુનાવણી ચાલી હતી, ત્યારે સરકારી વકીલ ડી.એસ.પટેલે ધારદાર દલીલો કરતા કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે.
વર્ષ 2017માં ધનસુરા તાલુકાના વડાગામ પંથકમાં આરોપી અકબર ઉર્ફે અક્કો અલ્લુભાઈ સિંધી એક સગીરા સાથે અડપલા કરતો, જ્યારે ભોગ બનનાર શાળાએ જતી ત્યારે આરોપી તેની છેડતી અને ચેનચાળા કરતો હતો. એટલું જ નહીં મોબાઈલ પર ગીતો વગાડી ભોગ બનનારને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો. આ સમગ્ર ઘટનાને લઇને ધનસુરા પોલિસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા સીપીઆઈએ ઝીણવટભરી તપાસ કરી હતી. પોક્સો કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન આરોપીએ ગુનો કર્યો હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલે ધારદાર દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેવો પ્રયાસ કર્યો હતો, ત્યારે કોર્ટે પણ આ બાબતે સમાજમાં દાખલા રૂપ બેસે તે માટે નામદાર કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આવા ગુનાઓને અટકાવવા માટે દાખલારૂપ સજા ફટકારી આરોપીને 1 વર્ષની સજા અને 5 હજારનો દંડ તેમજ ફરિયાદીને 10 હજારનું વળતર આપવાનો હુકમ કર્યો છે.