સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, જેને લઇને શિયાળો અને ઉનાળામાં માવઠું થયું, આ વખતે માવઠાએ વાવાઝોડા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોને ઘમરોળ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી.
અરવલ્લી જિલ્લામાં સોમવારના મોડી રાત્રે 12 થી 1 વાગ્યાના અરસામાં અચાનક ભારે પવન ફૂંકાયો હતો, ધીરે – ધીરે પવને ગતિ પકડી અને સમગ્ર જિલ્લાને ઘમરોળ્યું. ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે તો કેટલીક જગ્યાએ ઘરોના છાપરા ઉડી ગયાના પણ સમાચારો મળ્યા હતા. મોડાસા તાલુકાના ભીલકુવા ગામે આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં વાવાઝોડાને કારણે મણીબેન દીપસિંહ ચૌહાણના મકાન પરના સીમેંટના પતરા પણ તાશના પત્તાની જેમ ઉડી ગયા હતા. રાત્રીના સમયે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે લોકો ભયભીત થયા હતા. સદભાગ્યે અહીં મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પણ શ્રમિક અને ખેડૂત પરિવારના ઘરના છાપરા ઉડી જતાં માથે આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકતા લોકો ઘરના દરવાજા અને બારી બારણાં બંધ કરવા મજબૂર બન્યા હતા. પવનની ગતિનો અવાજ અને વીજળીના કડાકા સાથે વરસાદે જિલ્લાને ઘમરોળ્યું હતું.