અરવલ્લી જિલ્લો એ શિક્ષણની નગરી તરીકે ઓળખાય છે, શિક્ષણ નગરી સાથે સાથે હવે સ્ટેચ્યુ નગરી પણ છે, કારણ કે મોડાસા નગરના મોટાભાગના માર્ગો પર મહાપુરૂષો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે, જેથી લોકોને તેમનાથી પ્રેરણા મળે. મોડાસા નગર પાલિકા ટાઉન હોલ ખાતે સ્વામી વિવેદાનંદ નું સ્ટેચ્યુ છે જ્યાં તેમના ચરણોમાં એવા મહાનુભાવો આશ્રય લઈ રહ્યા છે કે, સામેની બાજુએ કાર્યરત ચાર રસ્તા પોલિસ ચોકીના જવાનો પણ શર્માઈ જાય છે. વાત જરા અજીબ લાગશે પણ વાત સાચી છે.
વાત કંઈક એવી છે કે, મોડાસા નગર પાલિકા ટાઉન હોલ ખાતે યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, પણ અહીં તો ગંદકી એટલી છે કે, સ્વામીજી પણ મનમાં વિચારવા લાગ્યા છે કે, મને અહીં કેમ મુકવામાં આવ્યો છે? વાત તો એટલી હદે વધી છે કે, હવે તો રાત પડે કે, નશાની હાલતમાં કેટલાય લોકો અહીં આરામ ફરમાવવા આવી જાય છે, એટલું જ નહીં નશાની હાલતમાં લડાઈ – ઝઘડાં કરે, અને એવા શબ્દ બાણ મોં માંથી નિકળે કે, આપણાં કાન પણ શરમાઈ જાય.. પણ અહીં ન’તો પાલિકાને ચિંતા છે કે, નહીં ચાર રસ્તા પોલિસ ચોકીના માણસોને…
નગર પાલિકાની જગ્યામાં નશાની હાલતમાં આવીને સૂઈ જતા લોકોને રોકવામાં કોના હાથ બંધાયેલા છે કે, તે લોકો પૂછે છે, કારણ કે, રાત્રીના સમયે અહીં કેટલાય પરિવારે ફરવા માટે નિકળતા હોય છે. પણ હવે અહીંથી પસાર થતાં લોકો પણ વિચારી રહ્યા છે કે, જો તંત્ર સ્વામીજીની ચિંતા નથી કરતું તો, અમારી શું કરશે…? વર્ષે દહાડે યાદ કરવા અને દેખાડો કરવા સ્ટેચ્યુ લગાવી દીધા પછી જાળવણી કેમ કોઈ કરતું નથી, શું નશાની હાલતમાં આશ્રય આપવા માટે અહીં જગ્યા બનાવી છે કે, શું તે પણ એક સવાલ છે. નજીકમાં જ પોલિસ ચોકી આવેલી છે, તો પોલિસ કર્મચારીઓ આવા નશાખોર વ્યક્તિઓને કેમ સૂવા દે છે, તે પણ એક સવાલ છે. સ્વામી વિવેદાનંદજીના ચરણોમાં ગંદકી કરતા નશાખોર લોકો પોલિસ ચોકીના કર્મચારીઓને કેમ દેખાતા નથી ? જે વિવેકાનંદને વર્ષે એકવાર યાદ કરીએ છીએ અને અહીં ગંદકી થાય, નશો કરીને લોકો પડ્યા પાથર્યા રહે આવું કેવી રીતે ચાલે ? આ બાબતે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.