asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

પંચમહાલ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ પૂજ્ય મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો, ૪૪ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સુવર્ણચંદ્રક એનાયત 


ગોધરા,

Advertisement

વિશ્વ વંદનીય પરમ પૂજ્યસંતશ્રી મોરારી બાપુની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન તથા સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજાયો હતો. વિવિધ મહાનુભવોના હસ્તે આ દિક્ષાંત સમારોહમાં ૪૪ વિદ્યાર્થીઓ –વિદ્યાર્થીઓની સુવર્ણચંદ્રક અને ૪૦૭૬ને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વિનયન, શિક્ષણ, વિજ્ઞાન, કાયદા, તબીબી, વાણિજ્ય, આર્કિટેક્ચર એમ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.

Advertisement

આ પ્રસંગે મોરારી બાપુએ, તેજ અને ત્યાગની પંચમહાલની તપોભૂમિને પ્રણામ કરી, તૈતરી ઉપનિષદ, ભગવદ્ ગીતા, વૈદિક પરંપરાનુ વર્ણન કરી, રામાયણ કાળના વસિષ્ઠ ગુરૂકૂળ, જ્યાં રામ-લક્ષ્મણ ભણતા હતા તેનું મહત્વ વિદ્યાર્થી યુવામિત્રોને સમજાવ્યુ હતું.તેમણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ગુણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ભૂમિ ફળદ્રુપ છે. અહીં વાડ, જમીન, ખાતર, બિયારણ, સિંચાઈ બધું બરાબર છે, પણ આ વિદ્યાર્થીરૂપી ફસલને કોઈ બહારના તીડ આવીને નષ્ટ ન કરે એ પણ એટલું જ જરૂરી છે. વિદ્યાર્થીઓને દયા, દાન, વિદ્યા જેટલું વાપરીએ એટલું વધે એમ જણાવી ઉમેર્યું હતું કે, નદી પોતે પાણી પીતી નથી, વૃક્ષો પોતે ફળ ખાતા નથી, એ રીતે ડિગ્રી મેળવ્યા બાદનું તમારું જીવન બીજાના પરોપકાર માટેનું હોવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને પાંચ ગુણો પોતાના જીવનમાં ઉતારવાનું આહ્વાન કર્યુ હતું.વિદ્યા, વિનય, નિપુણતાની સાથે સત્ય,પ્રેમ,કરુણા,અહિંસા જેવા સારા ગુણ અપનાવવા અનુરોધ કર્યો હતો.જેટલુ તમારા જીવનમાં સત્ય વધુ એટલો યુવાન વધુ નિર્ભય.વિનય વગરની વિદ્યા તે વાંઝ ગણાય. ભયભીત માણસ ક્યારેય શાંત ન હોઈ શકે. નિર્ભય માણસના જીવનમાં જ શાંતિ હોય, કર્મકુશળતા માણસમાં હોય તો તે વધુ સાત્વિક અને શિસ્તબદ્ધ હોય. વિદ્વતા ગમે તેટલી હોય પણ શિવ તત્વ ન હોય તો બધુ નક્કામું છે. યુવાનો પાસે પ્રબળ સંકલ્પ શક્તિ હોય છે. જેની પાસે પ્રબળ સંકલ્પ શક્તિ હોય એ કદી વૃદ્ધ ના થાય. શિવ મોટી સંપદા છે, વિદ્યાર્થી ડિગ્રી પ્રાપ્ત કરે એ પર્યાપ્ત નથી.તેમનામાં સારી વૃત્તિઓનું સર્જન થવું જોઈએ.અહીં યુનિવર્સિટીથી બહાર જ્યાંથી જ્ઞાન મળે એ લઈ લો. ખોટા તત્વો શિક્ષણ સંસ્થામાં આવે તે ઈચ્છનીય નથી. અહીં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ નષ્ટ ન થાય એ જરૂરી છે.હનુમાનજી આ ભૂમિના સંરક્ષક બને એવી પ્રાર્થના કરું છું. તેમણે યુવાનોને તેમની ડિગ્રી બીજાના સુખ માટે વપરાય એ માટે ખાસ શીખ આપી હતી. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓની સ્વયંશિસ્ત અને શાંતિ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે આટલી શાંતિ એ દેશ માટે શુકનની ઘડી છે. આ માટે કુલપતિને અભિનંદન આપ્યા હતા.
કુબેરભાઈ ડીંડોરે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોની જાળવણી કરવાની શીખ આપતા જણાવ્યું હતું કે સતત શીખતા રહે, વિકસતા રહે એ આગળ વધે છે. જેમ જ્ઞાનના પ્રકાશથી કળી ખીલે છે એનો પ્રકાશ ખીલશે ત્યારે શિક્ષણની સુવાસ સમાજને આપતા રહેજો, કોઈ ફૂલ પોતાના માટે સુગંધ રાખતું નથી. વિદ્યાર્થીઓને તેમની જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગશક્તિનો વ્યકિત નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં કરવા આહ્વાન કર્યું હતું.

Advertisement

સ્વાગત પ્રવચનમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે ૯૧ કોલેજ અને ૬૭૦૦૦ વિદ્યાર્થીઓ હતા. આજે ૨૭૦ કોલેજો અને મહીસાગર, બરોડા ગ્રામ્ય, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના પાંચ જિલ્લાની દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ અહીં વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ મેળવી રહ્યા છે. ૧,૨૦,૦૦૦ સ્કેવેર ફીટમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ફેલાયેલ છે. ૨૦૦ વિદ્યાર્થી રિસર્ચ કરીને સરકારમાંથી ચાર લાખ રૂપિયાની સ્કોલરશીપ મેળવી રહ્યા છે. ૮૫૦ વિદ્યાર્થી પીએચ.ડી. કરી રહ્યા છે.૩૦૦૦ વિદ્યાર્થી ઈનડોરગેમ રમી શકે એવું સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યુ છે. પૂજ્યશ્રી મોરારી બાપુના હસ્તે યુનિવર્સિટીના સંકુલમાં તૈયાર થયેલી નવી કેંટીનનું ઈ-લોકાર્પણ કરાયું હતું. તેમજ યુનિવર્સિટીનું નવું એન્થમ પણ લોંચ કરાયું હતું.

Advertisement

આ દિક્ષાંત સમારોહમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, સી.કે. રાઉલજી, જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી, પંચમહાલ જિલ્લાના ક્લેકટર આશિષકુમાર, ડીડીઓ ડી.કે.બારિયા તેમજ વિવિધ પદાધિકારીઓ, યુનિવર્સિટીના ડીન, પ્રાધ્યાપકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!