ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને અનુસ્નાતક કુમાર છાત્રાલયના રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેજસ્વીતા દાખવવા, સખત મહેનત કરીને ગુજરાત વિદ્યાપીઠનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વ્યાયામનું મહત્વ સમજાવીને રમત-ગમતમાં પણ વિશેષ રુચિ લેવા આગ્રહ કર્યો હતો.
કુલપતિ આચાર્ય દેવવ્રતજી વિધાપીઠ સંકુલમાં આવ્યા હોવાની જાણકારી મળતાં જ કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી અને કાર્યકારી રજીસ્ટ્રાર નિખિલભાઇ ભટ્ટ અનુસ્નાતક છાત્રાલય આવીને સાથે જોડાયા હતા.
ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં મુખ્ય કાર્યાલય અને અન્ય ભવનોની મુલાકાત પછી કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વચ્છતા એ પૂજ્ય ગાંધીજીનો મુખ્ય વિચાર હતો. તેઓ સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા, એટલે ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં સ્વચ્છતા અને સુઘડતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે એ અત્યંત જરૂરી છે.