અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ એસ. આર. ભરવાડ સાહેબના અકાળે અવસાનથી સમગ્ર અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તેમજ કાનૂની આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધનથી બાર એસોસિએશને એક અનુભવી, વિદ્વાન ધારાશાસ્ત્રી અને માર્ગદર્શક ગુમાવ્યા છે.
દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા અરવલ્લી ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્સિપલ જજ આર. આર. ચૌધરી સાહેબ, અન્ય માનનીય ડિસ્ટ્રિક્ટ જજ, સિવિલ જજ તથા અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ એચ. એસ. પટેલ સાહેબ, તેમજ એડવોકેટ જી. એમ. પટેલ સહિત મોટી સંખ્યામાં ન્યાયિક અધિકારીઓ અને અધિવક્તાઓની ઉપસ્થિતિમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ઉપસ્થિત સૌએ સ્વ. એસ. આર. ભરવાડ સાહેબના કાનૂની ક્ષેત્રે પ્રદાન, સરળ સ્વભાવ, નિખાલસ વ્યક્તિત્વ, કાયદાના ઊંડા જ્ઞાન તથા જુનિયર વકીલોને આપેલા માર્ગદર્શનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિદ્વાન વકીલના અવસાનથી કાનૂની ક્ષેત્રે સર્જાયેલી ખોટ ક્યારેય પૂરી ન થઈ શકે તેવી લાગણી સૌએ વ્યક્ત કરી હતી. પરમાત્મા દિવંગત આત્માને ચિરશાંતિ અર્પે તથા તેમના પરિવારજનો અને સમગ્ર અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. શોકસભામાં સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવ્યો હતો કે સ્વ. એસ. આર. ભરવાડ સાહેબના માનમાં આગામી બે દિવસ દરમિયાન અતિઆવશ્યક તથા અગત્યના કોર્ટ કામ સિવાય અન્ય કામથી અળગા રહી શોક વ્યક્ત કરવામાં આવશે.






