સતત અનરાધાર વરસાદને લઈ બાયડ તાલુકાના દેસાઈપુરા, શાંતિપુરાકંપા, બાવળિયાકંપા, મોતીપુરા ગામે ખેતરો બેટમાં ફેરવાયા
ચોઈલા અને સાઠંબા ગામે મકાનની દિવાલ ધરાશાયી
અરવલ્લી જિલ્લા સહિત બાયડ તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના લીધે અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાઈ છે.
બાયડ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ચોઈલા ગામે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.
સાઠંબા ગામે રાવળ વાસમાં અને વાવફળી વિસ્તારમાં મકાનની દીવાલો ધરાસાઈ થઈ હતી.Advertisement
24 કલાક સુધી સતત વરસેલા વરસાદને લઈ બાયડ તાલુકાના દેસાઈપુરા કંપા ગામે પાણી ઘરોમાં ઘૂસી જવા પામ્યા હતા જ્યારે શાંતિપુરા કંપા બાવળીયા કંપા અને મોતીપુરા વિસ્તારોમાં અતિશય વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરોમાંથી ડ્રીપની પાઇપો પણ તણાઈ ગઈ હતી. ખેડૂતોને ઉછરી ગયેલી ખેતી નિષ્ફળ જતાં પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
બીજી બાજુ લાક ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધામણી નદીમાં પૂર આવતા લાક ડેમ ઓવરફ્લો થતાં કોઈ આગોતરી જાણ વગર તંત્ર દ્વારા ઓચિંતા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતો ધામણી નદીના કાંઠે આવેલા ગામોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમની ખેતીનો નાશ થઈ ગયો છે.