કુટુંબ નિયોજનની મદદથી માતા અને મૃત્યદર, કુપોષણ અને એનિમિયા વગેરે જેવી બાબતો સામે લડી શકાય છે.
Advertisement
યુનાઇટેડ નેશન દ્વારા ૧૧ જુલાઇ, ૧૯૮૯ની એક સામાન્ય સભામાં વિશ્વમાં વધી રહેલ લોકોની સંખ્યા પ્રત્યે લોકજાગૃતિ લાવવા માટે વિશ્વ સ્તરે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોઇ પણ દેશની વસ્તી સામાન્યરૂપે તે દેશ માટે હ્યુમન રિસોર્સ હોય છે. પરંતુ એના માટે પણ એક મર્યાદિત સંખ્યા આંકવામાં આવતી હોય છે. જ્યારે વસ્તી તેની સીમાને પાર કરે ત્યારે તે દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનું સર્જન થાય છે.
વસ્તી વધારાને કારણે દેશને અને કુટુંબને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ પડકારને પહોંચી વળવા માટે આપણે એક સંકલ્પ લેવો જોઈએ અને એ છે, ‘કુટુંબ નિયોજનનો સંકલ્પ’. તમે બધાએ સાંભળ્યુ જ હશે ‘નાનો પરિવાર સુખી પરિવાર’. માટે ‘કુટુંબ નિયોજન’ની મદદથી વસ્તીને કાબુમાં લાવી માતા અને બાળ મૃત્યુદર, કુપોષણ, એનેમીયા વગેરે જેવી બાબતો સામે લડી શકાય છે. તથા એક અથવા બે બાળકોને કારણે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, તેને પુરતુ અને યોગ્ય શિક્ષણ મળી રહે છે ઉપરાંત તેનો શારીરિક અને માનસિક વિકાસ સુદ્રઢ બને છે. સાથોસાથ કુટુંબની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
કુટુંબ નિયોજન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં દંપતીઓની કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે પુરૂષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર-ટી(પીપીઆઇયુસીડી), ગર્ભનિરોધક ગોળીઓ, ઇમરજન્સી પીલ, છાયા, અંતરા, નિરોધ વગેરે દ્વારા અનિચ્છનીય ગર્ભાધારણ રોકી ‘નાનું કુટુંબ-સુખી કુટુંબ’ના લક્ષ્યને સાધી શકાય છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5ના આંકડા મુજબ વસ્તી નિયંત્રણ માટે વર્ષ 2030 સુધીમાં 2.1 % પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020 માં જ 1.9 %નો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે.
લાંબા સમયથી ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરીનું આ પરિણામ છે.
વર્ષ 2022-23 માં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ ૬.૬૪ લાખ જેટલી મહિલાઓએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મૂકાવી છે. તેમાં પણ સરકારી હોસ્પિટલમાં થયેલ પ્રસૂતિમાંથી કુલ ૪ લાખ જેટલી મહિલાઓએ PPIUCD(પોસ્ટ પાર્ટમ ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) પ્રસૂતિ બાદના ૪૨ દિવસમાં જ કોપર ટી મૂકાવી છે.
કુટુંબ નિયોજન સ્ત્રી વ્યંધિકરણ માટે કરવામાં આવતા ઓપરેશનમાં પણ રાજ્યમાં કુલ ૩,૦૮,૯૭૬ બહેનોએ સ્ટરીલાઇઝેશન ઓપરેશન અને ૧,૨૨૩ પુરુષોએ નસબંધી કરાવી છે.
રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે વધુમાં વધુ જાગૃકતા કેળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૭ જુનથી ૧૦ મી જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું હતું. હવે ૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે.
ચીન જેવા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં પણ લાંબા સમયથી અમે બે-અમારું એક ની નિતિ બદલી બે બાળકની હિમાયત કરાઈ છે ત્યારે વસ્તીને સમસ્યા કરતાં સંપત્તિ ગણવાની વૈશ્વિક નિતિ હોવા છતાં આપણા દેશમાં તો આજે પણ વસ્તી અને વસ્તીવૃદ્ધિ એ સમસ્યા જ છે. આશા રાખીએ કે આવા દિવસોની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સભાન થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ, જેથી કરીને આવનાર પેઢીઓ માટે આપણે કાંઈક સારું મૂકીને જઈ શકીએ.