ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે મોડાસામાં આવેલી જીલ્લા કોર્ટમાં એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યો હતો આ અંગે કોર્ટમાં ફરજ બજાવતા પોલીસકર્મીને થતા તાબડતોડ ટાઉન પોલીસને જાણ કરતા નશાની હાલતમાં રહેલા યુવકને ટાઉન પોલીસે ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કોર્ટ સંકુલમાં નશાની હાલતમાં પહોંચેલા યુવકને જોઈ કોર્ટ કામકાજ અર્થે આવેલા લોકો પણ ચોકી ઉઠ્યા હતા કોર્ટમાં જ વ્યક્તિ જ્યારે દારૂ પીને પહોંચે છે ત્યારે દારૂબંધીના કાયદાના લીરાં ઉડયા હતા.
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સ્વાગત વિલેજ બંગ્લોઝમાં રહેતો ધીરાભાઈ ભુરાભાઇ ડામોર (મૂળ રહે, તુમ્બલીયા) જીલ્લા કોર્ટમાં જુબાની આપવા દારૂ પીધેલી હાલતમાં પહોંચી કોર્ટ સંકુલમાં લથડિયાં ખાતો હોવાથી કોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીને જાણ થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસવાન કોર્ટમાં પહોંચી ધીરા ડામોરની અટકાયત કરી પૂછપરછ કરતા બોલતા જીભ લોથવાતી હોવાની સાથે આંખો પણ લાલઘુમ જોવા મળતા પોલીસ સ્ટેશન લાવી મોઢામાંથી દારૂની સ્મેલ આવતા અને સીધું ચાલવા કહેતા લથડિયાં ખાતો ચાલતો હોવાથી ધીરા ડામોરની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ આ જ સ્થિતિ છે. દેશી વિદેશી દારૂના શોખીનો પીવા માટે ગમે ત્યાંથી દારૂ શોધીને મોજ માણતાં હોય છે જો કે પોલીસ દ્વારા આવા શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં લઈ જવામાં આવતાં હોય છે.કોર્ટ દ્વારા આવા આરોપીઓ અંગે નિર્ણય કરાતો હોય છે ત્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં જ દારૂ પીધા બાદ પહોંચી જઈ દારૂબંધીના કાયદાની ઐસી તૈસી કરતો મળી આવતા ટાઉન પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે