અરવલ્લી જીલ્લામાં મેઘરાજા મહેરબાન થવાની સાથે અનેક સ્થળે મેઘ મહેર મેઘ કહેર સાબિત થઇ રહી છે જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે મોડાસા શહેરમાં ગત મોડી રાત્રીએ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું આકાશી ધડાકા સાથે વીજળીના ચમકારાથી મોડાસા પંથકમાં ભયનો માહોલ પેદા થયો હતો મોડી રાત્રીએ ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા મોડાસા શહેરમાં ભુવા પડવાની સતત ઘટનાઓ બનતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે
મોડાસા શહેરમાં સોમવારે બપોરે બાદ મેઘરાજાએ વિરામ લેતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો મોડી રાત્રે અચાનક આકાશી વીજળી સાથે કડાકા-ભડાકા સાથે મેઘ ગર્જના થતા રીતસર કુદરત પંથકમાં બોંબમારો કરી રહી હોય તેવો અહેસાસ શહેરીજનોએ અનુભવતા કુદરતના ભયાવહ રૂપ જોઈને ફફડી ઉઠ્યા હતા મોડાસા શહેરમાં સતત પાંચમા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મોડાસા તાલુકામાં ખાબક્યો હતો જેમાં મોડાસા તાલુકામાં-135 મિમી ( 5 .5 ઇંચ ),ધનસુરા – 116 મિમી ( 4.5 ઇંચ ),બાયડ – 85 મિમી ( 3.5 ઇંચ ),માલપુર – 82 મીમી ( 3.5 ઇંચ ),મેઘરજ – 57 મિમી ( 2 ઇંચ ), ભિલોડા – 36 મિમી ( 1.5 ઇંચ ) વરસાદ નોંધાયો હતો અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે