મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં સમગ્ર શહેરને ખોદી નાખ્યા બાદ યોગ્ય પૂરણ ન કરતા અનેક સ્થળ પર ભુવા પડતા લોકોમાં આક્રોશ
મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના પાછળ છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયા વાપર્યા પછી પણ હજુ સુધી ભૂગર્ભ ગટર યોજના અધૂરી
ઋષિકેશ સોસાયટીના છેલ્લા વિસ્તારમાં ડીપી રોડ પર આવેલ સોસાયટીના વરસાદી પાણી ગટરમાં બેક મારતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે
ભૂગર્ભ ગટર યોજનાનો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને બિલ ચુકવવામાં ન આવેની લોક માંગ પ્રબળ
મોડાસા નગરપાલિકા ભાજપના કોર્પોરેટરો ભૂગર્ભ જતા રહ્યા હોવાનો સોશ્યલ મીડિયામાં આક્રોશ, મત લેવા આવ્યા પછી પાંચ વર્ષ સુધી ફરકતા નથી સહીત અનેક પોસ્ટ વાયરલ
Advertisement
મોડાસા નગરપાલિકાના AIMIM કોર્પોરેટર તેમના મત વિસ્તારમાં સર્જાતી સમસ્યામાં ખડેપગે ઉભા રહી સોશ્યલ મીડિયામાં તેમના વિસ્તારમાં તકલીફ હોય તો સંર્પક કરવા આહવાન કરી રહ્યા છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની નગરપાલિકામાં છેલ્લા 30 જેટલા વર્ષોથી ભાજપ સત્તાધારી પક્ષ તરીકે બિરાજમાન છે મોડાસા શહેર વિકાસની ગતિ પકડી હોવાના દાવા થઇ રહ્યા છે ત્યારે આ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવા, ઠેર ઠેર પાણી ભરાઇ જવા, કાદવ-કીચડ થવો, વાહનો ફસાઈ જવા જેવા દ્રષ્યો સર્જાવા સામાન્ય બની જવા પામ્યાં છે. શહેરના લગભગ દરેક સોસાયટીમાં વિકાસ કાર્યો દરમ્યાન કરવામાં આવેલા ખોદાણ પછી તેમાં અપૂરતા માટી પુરાણને કારણે ભૂવા પડી રહ્યાં છે જેને જોઈને એવુ લાગી રહ્યું છે કે જાણે આખા મોડાસા શહેરમાં ભૂવા “પુરાણ” કથા ચાલી રહી છે.
મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં પોલમપોલ કામગીરી ચાલી રહી છે માલપુર રોડ પર આવેલી રત્નદીપ સોસાયટીના પ્રવેશ દ્વારે ગટર યોજનામાં જોડાણ આપવા માટે ખોદેલ ખાડો છેલ્લા કેટલાક દિવસથી ખુલ્લો છોડી દેવામાં આવતા સોસાયટીના રહીશોમાં ખાડામાં ખાબકવાનો ભય પેદા થયો છે રત્નદીપ સોસાયટીના પ્રવેશ દ્વારે કોઈ કોર્પોરેટરના સબંધીના મકાનની ગટર લાઈન આપવા માટે ફરીથી ખોદી નાખ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જો કે સોસાયટીના રહીશોએ ખાડો તાત્કાલિક ધોરણે પુરવામાં આવેની માંગ કરી છે ખાડાની બાજુમાં ભુવો પડતા અને રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટીના માર્ગ પર ઠેર ઠેર ભુવા પડવાની ઘટના ચાલુ રહી છે નગરપાલિકા તંત્ર ભુવા પડે ત્યારે પૂરણ કરી લોકોનો રોષ ઠારી રહી છે મોડાસા શહેરના મોટા ભાગના સોસાયટી વિસ્તારમાં ભગર્ભ ગટર યોજના હેઠળ રોડ ખોદી નાખ્યા પછી યોગ્ય પુરણ કરવામાં ન આવતા ઠેર ઠેર ભુવા માર્ગ બન્યા છે
મોડાસા શહેરના માલપુર અને મેઘરજ રોડ પર ભૂગર્ભ ગટર યોજનામાં ઠેર ઠેર રોડ ખોદી નાખ્યા પછી યોગ્ય પૂરણ કરવામાં વેઠ ઉતારતાં રોડ પર કાદવ-કીચડના થર જામવાની સાથે પાણી ભરાઈ રહેતા શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે મોડાસા શહેરની ભુવા નગરી માટે કોણ જવાબદાર…?? લોકોમાં હવે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે જે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે બૂમરેંગ સાબિત થઇ શકે છે