નોંધ – અહીં મહિલાનું નામ બદલેલ છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને વધુ એક સફળતા મળી છે અને પુત્રનું માતા સાથે મિલન કરાવ્યું છે. આજથી 39 દિવસ પહેલા મોડાસાના ઝાલોદર નજીકથી મળી આવેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી જ્યાં કર્મચારીઓ દ્વારા મહિલાની જરૂરિયાતની કીટ તથા કપડા આપી મેડિકલ ચેક અપ કરાવી માનસિક રોગની સારવાર આપવામાં આવી હતી. સરીતાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું જોકે તેઓ જે ભાષા બોલતા હતા તે સમજણ ન પડતા કાગળ પર લખાવતા તામિલ ભાષા જણાઈ આવી હતી. તામિલ ભાષાના જાણકાર ને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવી કાઉન્સિલિંગ કરવામાં આવતા મહિલા કન્યાકુમારીના આજુબાજુના ગામડાઓના નામ જણાવતા ત્યાંના પોલીસ સ્ટેશન તેમજ કન્યાકુમારીના સખીવન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી સાથે વાત કરવામાં આવી હતી. આ સાથે જ આસપાસના ગામડાઓની માહિતી મળી આવતા સરીતા કન્યાકુમારી ના થાઝાકુડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વીડિઓ કોન્ફરન્સ થી તેમના પુત્ર સાથે વાત કરાવતા પુત્રની આંખો હર્ષના આસુથી ભિંજાઈ ગઈ હતી. સરિતાનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેમને વધુ દિવસ સેન્ટર માં રાખવા જણાવેલ હતું, જેથી પૈસાની સગવડ થતાં જ સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે સરીતાનો દીકરો લેવા માટે આવતા માતા અને પુત્રનું મિલન થયું હતું. અરવલ્લી જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી મહિલા અને બાળ અધિકારી હસીનાબેન તથા પરખ સંસ્થાના મંત્રી કૌશલ્યા કુંવરબાના માર્ગદર્શન હેઠળ પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કેટલાય વિખૂટા પરિવારોનું મિલન થયું છે.
સમાચારોની કોપી કરવી નહીં – સ્ટ્રીકલી પ્રોહિબેટ
Advertisement
13 વર્ષ અગાઉ મહિલા કામ અર્થે ચેન્નઈ જતાં ભૂલી પડી
સરીતા (નામ બદલેલ છે) બાંધકામ સાઈટ પર શ્રમિક તરીકે કામ કરતા હતા, પણ સ્થાનિક કોન્ટ્રાક્ટરે ચેન્નઈમાં કામ સારૂ મળશે અને પૈસા પણ વધારે મળશે તેવું કહી ચેન્નઈ લઈ ગયો હતો, જોકે ત્યાં કોઈકારણોસર સરીતા ખોવાઈ ગયા હતા, માતા ખોવાઈ ગયા હોવાની જાણ થતાં પુત્રએ સગા-સંબંધિઓનો સંપર્ક કર્યો હતો અને આસપાસની જગ્યાઓમાં તપાસ કરી હતી, પણ માતા નહીં મળતા આખરે પોલિસને પણ જાણ કરી હતી. 13 વર્ષ અગાઉ ખોવાઈ ગયેલા માતા-ફરતા ફરતા ગુજરાત આવી પહોંચ્યા હતા.
કેવી રીતે ગુજરાત પહોંચ્યા
ચેન્નઈથી ભૂલા પડેલા સરીતા ચાલતા ચાલતા અને કચરો વીણતા વીણતા કેટલાય જિલ્લા પસાર કરીને ગુજરાત આવી પહોંચ્યા હતા, જે-તે સમયે તેની સાથે પ્લાસ્ટિકની બેગમાં કેટલાક કાગળો હતો, જેના પરથી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ જાણ્યુ કે, સરીતા રાજકોટ સહિતના જિલ્લાઓ પહોંચ્યા હતા. ધીરે – ધીરે તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઝાલોદર નજીક હતા ત્યારે આજથી 39 દિવસ પહેલા 181 અભયમની ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડ્યા હતા.
સમાચારોની કોપી કરવી નહીં – સ્ટ્રીકલી પ્રોહિબેટ
Advertisement
સરીતાનું કાઉન્સેલિંગ કરવું મુશ્કેલ બન્યું
સરીતા મળી મળતા જ નામ-ઠામ પૂછવા અને ઘરનો પત્તો લગાવવા માટે પૂછપરછ કરવી જરૂરી હતી, પણ મહિલા તામિલ ભાષા જાણતી હતી, એટલે કાઉન્સેલિંગ કરવું અશક્ય હતું. એટલે સખી વન સ્ટોપની ટીમ દ્વારા થોડોક ખ્યાલ આવ્યો કે, મહિલા દક્ષિણ ભારતના હોઈ શકે, એટલે તેમણે મોડાસાના એક કેરલના વ્યક્તિનો સંપર્ક કર્યો, ત્યારે સરીતા સાથે વાત કરતા ખ્યાલ આવ્યો કે, મહિલા તામિલ ભાષા બોલે છે. આ પછી મોડાસામાં ઢોસા બનાવતા રાજુભાઈનો સંપર્ક કરતા સમગ્ર માહિતી મેળવી હતી. આખરે રાજુભાઈ થકી સરીતાનો પરિવારજનોનો સંપર્ક કરવામાં સખી વન સ્ટોપ સેન્ટરને મોટી સફળતા મળી હતી.
માતા-પુત્રનું મિલન થતાં ખુશીના આસુ સરી પડ્યા
ડ્રાયવર તરીકે કામ કરતા પુત્ર છેલ્લા 13 વર્ષથી માતાની શોધમાં હતા, જોકે રાજુભાઈની મદદથી માતાનો પુત્ર સાથે સંપર્ક થતાં પુત્ર મોડાસા આવી પહોંચ્યો હતો, જ્યાં માતાને જોતા જ ભેટી પડ્યો હતો અને માતા પણ 13 વર્ષથી પુત્રના પ્રેમ ને લાડથી વંચિત હોવાને લઇને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા, જેને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે.