ગોધરા,
મોદી સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં Uniform Civil Code લાગુ પાડવા માટે સંસદિય સત્ર માં વિધેયક લાવવાની વાત કરી છે ત્યારે સમગ્ર ભારત દેશમાં આદિવાસી સમાજ, લઘુમતિ સમાજ, વંચિત સમાજ માં નારાજગી જોવા મળી રહી છે.ગતરોજ આદિવાસી સમાજના અગ્રણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ જિલ્લા તંત્રને યુનિફોમ સિવીલકોડને લઈ આવેદનપત્ર આપવામા આવ્યું હતું.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા UCC હટાવો, આદિવાસી બચાવો ના નારા સાથે ડૉ.બાબા સાહેબ આંબેડકર ચોક થઈ રેલી કાઢી હતી અને જિલ્લા નિવાસી કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર “કહીં પે નિગાના, કહીં પે નિશાના ” થી આગળ વધે છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા વિધેયક લાવી રહી છે તેની જાહેરાત કરી છે. પરંતુ આ વિધેયકમાં કયા મુદ્દાઓ હશે તેની કોઈ વાત કરી નથી પરંતુ સિવિલ મામલામાં સમાનતા લાવવાના મુદ્દા હોઇ શકે અને ખાસ કરીને ફેમિલી મેટર, પ્રોપરટી મેટર જેવા મુદ્દાઓ હોઇ શકે છે તેનાથી ખાસ કરીને લઘુમતિ સમાજ ને સીધી અસર કરી શકે છે અને તેઓ દ્વારા વિરોધ થાય તો ધાર્મિક કે સામાજીક ભેદભાવનો મુદ્દો બની શકે તો ચૂંટણીમાં તેની અસર દેખાય તેવી કૂટનીતિ પણ ભાજપ સરકારના માનસમાં હોય એવું નકારી ના શકાય.
પરંતુ અહિં આદિવાસી સમાજ યુસીસીના વિરોધમાં ઉભો થયો છે ત્યારે સરકાર ભીંસમાં મુકાઇ છે. આદિવાસી સમાજને ડર છે કે તેઓને બંધારણમાં જે હક્કો અનુસુચિત ૫, ૬ તથા ૭૩ AA, પેસા કાનુન જેવા અધિકારો નાબુદ થઈ જશે તો તેમના અસ્તિત્વનો પણ સવાલ ઉભો થશે તેથી આદિવાસી સમાજ નારાજ થયો છે અને તેમના અધિકારો ના રક્ષણ માટે યુસીસી નો વિરોધ કરી રહ્યો છે. તેથી આમ આદમી પાર્ટી પણ આદિવાસી સમાજ સાથે રહી યુસીસી હટાવવા બાબતે તેમજ વિધેયક પર સંસદમાં ચર્ચા થાય, લોકોનો અભિપ્રાય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્ર આપવા માટે લોકસભા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, જિલ્લા એસટી પ્રમુખ, પ્રદેશ કિસાન ઉપાધ્યક્ષ, પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ, પ્રદેશ ઓબીસી જોઇન્ટ સેક્રેટરી, જિલ્લા મહામંત્રી, જિલ્લા યુવા પ્રમુખ, જિલ્લા શ્રમિક સંગઠન પ્રમુખ, મોરવા હડફ તાલુકા પ્રમુખ, ગોધરા શહેર પ્રમુખ સહિત જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.