અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે, પણ કોઈ વિભાગ મગ નું નામ મરી પાડવા તૈયાર નથી. મોડાસાના મેઘરજ બાયપાસ ચોકડી પર સમગ્ર દિવસ દરમિયાન અને ખાસ કરીને સવારે અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને લઇને ઓફિસ અને શાળાએ જતાં વિદ્યાર્થીઓને હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે પણ અહીં કોઈ જ ટ્રાફિક પોલિસના જવાનો જોવા મળતા નથી, જેને લઇને મનફાવે તેમ વાહન ચાલકો રસ્તો કરી લેતા હોય છે, આવી સ્થિતિમાં ટ્રાફિકની સમસ્યા વકરે છે.
તો બીજી બાજુ મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર સવારના સમયે ટ્રાફિક સર્જાય છે, એટલે અધિકારીઓએ દિવસમાં મુખ્ચ ચાર રસ્તા પરથી પસાર થવું જોઈએ જેથી તેઓને પણ ખ્યાલ આવે કે, મોડાસામાં ટ્રાફિકની સમસ્યા છે કે નહીં.
મોડાસાના મેઘરજ બાયપાસ ચોકડી પર ટ્રાફિકની સમસ્યાને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો અને વહીવટી અને પોલિસ તંત્ર પર નારાજગી વ્યક્ત કરી હતી. મેઘરજ બાયપાસ રોડ પર એક પોલિસ ચોકી કાયમી ધોરણે બનાવવી જોઈએ અને પોલિસ જવાનોને તૈનાત કરવામાં આવે તેવી પણ હવે લોકમાંગ ઉઠવા પામી છે.