કેચમેન્ટ એરીયામાં વધુ વરસાદ થતાં રૂલ લેવલ જાળવવા લાંક ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડાયું
Advertisement
અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે સાઠંબા સહિત અરવલ્લી જીલ્લાના સમગ્ર વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
મોડાસા,ભિલોડા સાઠંબા બાયડ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે વરસાદની ધબધબાટીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આકાશ ગોરંભાયેલુ રહેતાં વરસાદ વધુ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ગત ૧૦મી જુલાઇએ ધોધમાર સાર્વત્રિક વરસાદ થયો હતો. જેના કારણે નાગરિકોએ રાહત અનુભવી હતી. પરંતુ ત્યાર બાદ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.ક્યાંક હળવાં ઝાપટાં નાખી વરસાદ ગાયબ થઇ જાય છે તો સીમીત વિસ્તારોમાં ધોધમાર પડી જાય છે. મેઘરાજાએ નવેસરથી રાઉન્ડ શરૂ કર્યો નથી. આજે
સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સુરજ નારાયણનાં દર્શન દૂર્લભ બન્યાં હતા. પરંતુ દિવસ દરમિયાન વરસાદ થયો ન હતો. ત્યારે મોડી સાંજે અચાનક વાતાવરણના પલટા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.
શનિવારે મોડી સાંજે સાઠંબા પંથકમાં વરસાદે ધડબડાટી બોલાવતાં સાઠંબાના ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં અને થોરીવાસમાં પાણી ભરાઈ ગયાં હતાં જ્યારે કેટલાક ઘર અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા.
સાઠંબા વિસ્તારમાં સાત ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સાઠંબા થઈને પસાર થતી ધામણી નદી પર આવેલો લાંક ડેમ ઓવરફલો થતાં રૂલ લેવલ જાળવવા માટે લાંક ડેમમાંથી 1200 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું.