શહેરા,વિજયસિંહ સોલંકી
26 જુલાઈનો દિવસ સમગ્ર દેશમાં કારગીલ વિજયદિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિષ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું.ભારતે કારગીલ હિલ જીતીને વિજય ઝંડો ફરકાવ્યો હતો. આ યુધ્ધમાં દેશના કેટલાક જવાનો યુધ્ધ લડતા લડતા શહીદ થયા હતા. આ કારગિલના યુદ્ધમાં ગુજરાતના પણ ઘણા જવાનો હતા કે જેમણે પોતાનો જીવ દેશ પર ન્યોછાવર કર્યો હતો. તેમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના એક જાંબાજ યુવાન ભલાભાઈ અખમભાઈ બારીયાએ દૂશ્મનોને હંફાવતા હંફાવતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. આવો આપણે એ જાંબાજ સૈનિક યુવાનની ગાથા જાણીએ.
પંચમહાલ શહેરા તાલુકામાં ખટકપૂર ગામ આવેલુ છે. પિતા અખમભાઈ અને માતા ઝીણી બેનના કુખે ભલાભાઈનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અને બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. દેશદાઝની ભાવના હોવાથી તેઓ સેનામાં જવાનું નક્કી કરીને 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા. 1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામસામો ગોળીબાર ચાલુ થયો.
ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઇ અડીખમ અને અડગ હતા. તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થઈ હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરેવતન ખટકપૂર લાવીને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આજે પણ તેમના પરિવારના સભ્યો ભલાભાઈ બારીયાને યાદ કરે છે. જે શાળામાં તેઓ ભણ્યા હતા. તે શાળાને ભલાભાઈ અખમભાઈ બારીયા પ્રાથમિક શાળા નામાભિધાન તત્કાલિન શિક્ષણ પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
શાળાના કમ્પાઉન્ડમાં ભલાભાઈ બારીયાની ખાંભી આવેલી છે. જેના પર અમર જવાન લખેલું છે. તેના પરના સુરજ અને ચાંદો કહી રહ્યા છે. “જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઇ તેરા નામ રહેગા.” તેમના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. આ મંડળના સંયોજક સેવાનિવૃત્ત ઓફિસર મનન દેસાઈ દ્વારા લિખિત પુસ્તક” કારગિલ યુદ્ધ ગુજરાતના સૈનિકો “જેમાં ભલાભાઈની વીર ગાથા વર્ણવી છે. આમ આજે બે દાયકા પછી પણ શહેરા તાલુકાના આ વીર સપૂતને લોકો યાદ કરે છે.