અરવલ્લી જિલ્લાને શામળાજી તાલુકો મળવાની સંભાવનાઓ પ્રબળ, આદિવાસી દિવસે મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત…!!!
Advertisement
સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે. શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી 50 કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે. ભિલોડાના તત્કાલિના દિવંગત ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટરને જે-તે સમયે લેખિત રજુઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી હતી ધારાસભ્યની માંગને પગલે શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવાની સુસુપ્ત બનેલી માંગણી ફરીથી પ્રબળ બની છે.
ભિલોડા તાલુકામાં મોટા ભાગે આદિજાતી સમાજ વસે છે. તેમજ ભિલોડા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ પણ ખુબ જ મોટો તાલુકો છે. ત્યારે શામળાજીના અંતરીયાળ ગામોમાંથી અરજદારોને તેમજ તાલુકા વાસીઓને 50 કિલોમીટરથી વધુનું અંતર કાપીને તેમજ બે બસો બદલીને તાલુકા મથકે પહોંચવું પડતું હોવાથી તાલુકાવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે ભિલોડાના ધારાસભ્યએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને શામળાજીને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
આગામી 12 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ લોકાર્પણના કાર્યક્રમોમાં અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવવાના છે ત્યારે આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શાળાજી તાલુકો જાહેરાત કરી શકે છે. આ માટે ભિલોડા તાલુકા પંચાયત દ્વારા ભિલોડાનું વિભાજન કરવા બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી માહિતી આપી છે.
શામળાજી તાલુકો જાહેર થાય તો તેમાં 12 જેશીંગપુર, 20 મોટા કંથારિયા, 22 ઓડ અને 21 નાંદોજ જિલ્લા પંચયાતની બેઠકો શામળાજીમાં સમાવેશ થઈ શકે છે. તો દહેગામડા, ધંબોલિયા, જાબચિતરિયા, જનાલી, ખેરાડી, ખીલોડા, કુશકી, મોટા કંથારિયા, ઓડ, પાલ્લા અને વાઘપુર મળીને તાલુકા પંચાયતની 11 બેઠકો પણ શામળાજીમાં સમાવેશ થઈ શકે છે. જો શામળાજી તાલુકાની રચના થાય તો 77 જેટલા ગામડાઓનો પણ નવીન તાલુકામાં સમાવેશ થઈ શકે છે.
હાલ અરવલ્લી જિલ્લામાં મોડાસા (મુખ્ય મથક), માલપુર, મેઘરજ, ભિલોડા, બાયડ અને ધનસુરા મળીને કુલ 6 તાલુકાઓ છે, જો શામળાજી ને નવીન તાલુકો જાહેર કરે તો કુલ 7 તાલુકાઓ થશે.